જામનગર મોર્નિંગ -  જામનગર

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના 0થી 18 વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગુણવત્તા સભર સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે. આ યોજના થકી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રહેતા અને ખેત મજૂરી કરતાં માતા-પિતાના ૫ વર્ષના બાળકની વીનામૂલ્યે સર્જરી કરવામાં આવી છે. 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દાવલીવાડી વિસ્તારમાં રહેતા અનેખેત મજુરી કરતા માલવી  પરિવારમાં તા. ૦૮-૦૯-૨૦૧૭ના રોજ સંતોષભાઈ માલવીના ઘરે એક સુંદર દીકરાનો જન્મ થયો હતો. દીકરાનું નામ હતું ગોકુલ. પરિવારના સભ્યો દીકરાની દેખરેખ અને ઉછેરમાં પૂરું ધ્યાન આપતાં હતાં. બાળકનો જન્મ થયો ત્યારથી જ બાળક નાનું હોવાને કારણે ઓપરેશન કરવું શક્ય ન થતાં ગોકુલના હોઠનું ઓપરેશન મધ્યપ્રદેશ ભોપાલ શહેર માં કરવામાં આવ્યું હતું પરંતુ ઓછા વજનને કારણે તાળવા નું ઓપરેશન થઈ શકાય તેમ ન હતું. દીકરાના માતા પિતા ખેત મજુરી કરતા હતા એટલે માઈગ્રેશન કરવાનું થતું હતું. 

બાદમાં તેઓ કાલાવડ તાલુકાના દાવલીવાડી વિસ્તારમાં ચિરાગભાઈ પાનસુરીયાની વાડીમાં મજુરી માટે આવ્યા. વાડી માલિકનો સ્વભાવ ખુબજ સારો હોવાને કારણે માતાપિતાએ બાળકના હોઠ અને તાળવાના ઓપરેશન માટે વાત કરતાં વાડી માલિકે વિસ્તારના સુશીલાબેન ગોસાઈ આંગણવાડી કાર્યકરને જાણ કરી. આંગણવાડી બહેને કાલાવડ તાલુકાના પેટા કેન્દ્ર-નાની ભગેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા પાંચદેવડાના ( RBSK ) રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. પરવેઝ મુદ્રાખ અને ડો.ઉર્વીષા પાનસુરીયાને જાણ કરવામાં આવી. ડોક્ટર દ્વારા પ્રાથમિક તપાસમાં ખબર પડી કે બાળકના હોઠનું ઓપરેશન થયેલ છે પરંતુ ઓછા વજનને કારણે તાળવા નું ઓપરેશન થયેલ નથી. 

ત્યારબાદ બાળકનો વજન વધે એ મુજબ પોષ્ટિક ખોરાક અંગે તેના માતાપિતાને સમજાવી સંદર્ભકાર્ડ ભરી ૧૪-૦૨-૨૦૨૩ના રોજ ધ્રુવ હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા અને તા.૧૫-૦૨-૨૦૨૩ના રોજ નિષ્ણાત ડોકટરો દ્વારા ખૂબ જ કૂનેહથી બાળકના તાળવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. તારીખ ૧૬-૦૨-૨૦૨૩ના રોજ બાળકને હોસ્પિટલ માંથી રજા આપવમાં આવી. આ બાળક હાલ નોર્મલ બાળકોની જેમ જમી શકે છે. આરોગ્ય તંત્ર દ્વારા ગોકુલની સમગ્ર સારવાર અને તાળવાની સર્જરી તદ્દન વિનામૂલ્ય કરવામાં આવતા તેના માતા-પિતાએ ડૉકટરો અને આરોગ્ય તંત્ર અને સરકારની કામગીરીની પ્રશંશા કરી આભાર વ્યક્ત કર્યો છે.