હાજરીના અભાવે પરીક્ષા ન આપવા દેતા પગલું ભર્યું: બ્રહ્મ સમાજમાં ઘેરો શોક
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયાના બ્રહ્મ સમાજના અગ્રણી, જાયન્ટસ ગ્રુપના રાજ્યના હોદ્દેદાર તથા ખંભાળિયા હોમગાર્ડના કમાન્ડરિંગ ઓફિસર સંદીપભાઈ ભાનુપ્રસાદ ખેતિયાના 19 વર્ષના પુત્ર કેશવે ગઈકાલે ગુરુવારે ગાંધીનગર ખાતે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ બનતા સમગ્ર બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાનો 19 વર્ષિય કેશવ ખેતીયા ધોરણ 12 પછી ગાંધીનગર ખાતેની એક કોલેજમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તેની ચોથા સેમેસ્ટરની પરીક્ષા હતી. ગઈકાલે ગુરુવારે સવારે તે કોલેજમાં પરીક્ષા આપવા ગયો હતો, ત્યાં તેની ઓછી હાજરીના કારણે તેને પરીક્ષા આપવાની ના કહેવામાં આવી હતી. નિરાશ થયેલો કેશવ ફરીથી પોતાના રૂમ પર આવતા ત્યાં તેના સહપાઠીઓએ સમજાવતા તેણે ફરીથી કોલેજ જઈ અને પરીક્ષા આપવા દેવા માટેની વિનંતી કરી હતી. પરંતુ તેને પરીક્ષા આપવા દેવામાં ના આવતા હતાશ થયેલા કેશવએ કોલેજથી થોડે દૂર સેક્ટર નંબર 14 પાસે પસાર થતા એક મેઈલ હેઠળ ઝંપલાવી દેતા તેનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
મૃતકના પિતા સંદીપભાઈ કામ અર્થે રાજકોટ ગયા હોવાથી ત્યાંથી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમના એકના એક પુત્રના મૃતદેહને જોતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સંદીપભાઈ ખેતીયા હૃદયરોગના દર્દી હોય, આ કરુણ પરિસ્થિતિ સર્જાતા ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક અને અમદાવાદના પ્રિન્સિપાલ માર્કન્ડેયભાઈ જાની, વિશાલ મોહનભાઈ મોકરીયા, વિગેરે દ્વારા વ્યથિત એવા સંદીપભાઈ તથા મૃતક કેશવના શરીરને ખંભાળિયા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મૃતક કેશવ બે મોટી બહેનોનો નાનો ભાઈ હતો તેમજ માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. જેના અકાળે મૃત્યુથી સમગ્ર રાજ્ય પુરોહિત બ્રહ્મ સમાજ જ્ઞાતિજનો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.
કોલેજના સંચાલકોને કથિક બેદરકારી અંગે ફરિયાદ
સામાન્ય રીતે કોલેજની હાજરી અંગે વાલીઓને સમયાંતરે જાણ કરવાની હોય તથા છાત્ર કોઈ લેક્ચરમાં ગેરહાજર રહે તો તે વિષયના શિક્ષકે પણ જાણ કરવી જોઈએ. પરંતુ આ કોલેજના એચ.ઓ.ડી.એ આવું કંઈ કરવાના બદલે ઓછી હાજરી બદલ વિદ્યાર્થી કેશવ સાથે ના આ વર્તનના કારણે આપઘાત કરવો પડ્યો હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે.
આ બાબતે બ્રહ્મ સમાજ તથા કોલેજના મિત્ર વર્તુળોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. આ કરુણ બનાવ અંગે બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને પણ ફરિયાદ કરવામાં આવી છે. એમ પણ કહેવાય છે કે મૃતક કેશવની ઓછી હાજરી હતી અને પરીક્ષા આપવા નહીં દઈએ તે અંગેની જાણ તેમના વાલીને કરાઈ ન હતી તથા કેશવ જેવા કિસ્સાવાળા અન્ય વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવી હતી. જ્યારે કેશવને પરીક્ષા આપવા દેવામાં ન આવતા તેણે આ પગલું ભરી લીધું હોવાનું કહેવાય છે.
આજરોજ સવારે કેશવ ખેતિયાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો તથા બ્રહ્મ સમાજના આગેવાનો વિગેરે જોડાયા હતા અને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
0 Comments
Post a Comment