જામનગર મોર્નિંગ - જામનગર
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન માલની નુકસાની થાય તેમજ જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેકટરએ વિવિધ વિભાગના અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાંના કારણે જાન માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી. તેમજ વિભાગો દ્વારા હાથ ધરાઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં કલેકટરએ લગત વિભાગોને રેસક્યુ, સર્વે તથા સર્ચ ટીમ તૈયાર રાખવા, આશ્રય સ્થાનો તૈયાર કરવા, પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા, તરવૈયા તેમજ આપદા મિત્રોની યાદી બનાવવા, બુલડોઝર, જે.સી.બી., ટ્રક સહિતના સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવાવા, જર્જરિત ઇમારતો તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, રેસ્ક્યું માટેના વાહનોની યાદી બનાવવા, ડી.ડી.ટી. છંટકાવ, વોટર કલોરીનેશન તેમજ જરુરી દવાઓનો જથ્થો અનામત રાખવા વગેરે બાબતે સૂચન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં કલેકટરએ પાણીનો પ્રવાહ વધે, ડેમ ઓવરફ્લો થાય કે પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી દરેક ગામોની સંપર્ક યાદી બનાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવ્યું હતું તેમજ ફૂડ પેકેટ માટે સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન કરવા, મૃત પશુઓના યોગ્ય નિકાલ કરવા, વિવિધ તાલુકાઓમાં એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો માટે આશ્રય સ્થાન સુનિશ્વિત કરવા, લોકોને જળ પ્રવાહની આગોતરી જાણ કરવા સહિતની બાબતે સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું.બેઠકમાં ડીડીએમઓ માનસીસિંઘે પ્રેસન્ટેશનના માધ્યમથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ હાથ ધરવાની થતી કામગીરી વિશે સર્વે વિભાગોને માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરઓ, આર્મી, નેવી, એરફોર્સના અધિકારીઓ, પોલીસ વિભાગ, હોમગાર્ડ વિભાગ, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સિંચાઇ વિભાગ, પી.જી.વી.સી.એલ. વિભાગ, એસ.ટી.વિભાગ, આર.ટી.ઓ.વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી તથા પશુપાલન વિભાગ, વન વિભાગ, માહિતી વિભાગ, કોસ્ટ ગાર્ડ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments
Post a Comment