મોરબીનું સૌથી વધુ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 

જામનગર મોર્નિંગ - ગુજરાત 

ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કુલ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ 2023માં કુલ 2023 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઊંચું પરીણામ આ વખતે હળવદ કેન્દ્રનું આવ્યું છે, જેની ટકાવારી 90.41 ટકા થાય છે. જ્યારે સૌથી ઓછું 22 ટકા લીમખેડાનું પરિણામ આવ્યું છે.

ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા નિયમિત ઉમેદવારોની સંખ્યા 1,10,042 હતી જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા 72,166 છે.

રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર હળવદ છે જ્યાંના પરિણામની ટકાવારી 90.41 ટકા થાય છે જ્યારે પાછલા વર્ષે આ કેન્દ્ર લાઠી (96.12%) રહ્યું હતું. સૌથી નીચું પરિણામ પાછલા વર્ષે લીમખેડાનું રહ્યું હતુ જેની ટકાવારી 33.33% હતી જ્યારે આ વર્ષે પણ 22% સાથે લીમખેડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે.

રાજ્યમાં સૌથી ઊંચું મોરબી જિલ્લાનું 83.22% પરિણામ આવ્યું છે, પાછલા વર્ષે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ હતો જ્યાંનું પરિણામ 85.78% આવ્યું હતું. આ વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદનું 29.44% પરિણામ આવ્યું છે. પાછલા વર્ષે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19% આવ્યું હતું.

આ વર્ષે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે તેમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પાછલા વર્ષની સરખામણીમાં ઘટી છે, આ વર્ષે 27 સ્કૂલો એવી છે કે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે જ્યારે પાછલા વર્ષે આવી શાળાઓનો આકડો 64 હતો.

આ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે કે નબળું પરિણામ લાવનારી શાળાની સંખ્યા વધી છે. પાછલા વર્ષે 61 સ્કૂલો એવી હતી કે જેનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું હતું, આ વર્ષે આ સ્કૂલોનો આંકડો વઘીને 76 થઈ ગયો છે.

આ વર્ષે સૌથી ઊંચું પરિણામ એ ગ્રુપનું આવ્યું છે, જેની ટકાવારી 72.27% છે, જ્યારે બી ગ્રુપનું 61.71% અને એબી ગ્રુપનું 58.62% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 77.57 ટકા પરિણામ 

જામનગર મોર્નિંગ - જામનગર 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનું 77.57 ટકા પરિણામ આવ્યું છે, ત્યારે ધ્રોલ કેન્દ્રનું 87.02 ટકા આવ્યું છે. 

જામનગર જિલ્લામાં નોંધાયેલા 1704 વિધાર્થીઓમાંથી 1703 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1321 વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે અને ત્રણ વિધાર્થીઓને એ-1 ગ્રેડ અને 57 વિધાર્થીઓને એ-2 ગ્રેડ મેળવ્યો છે. 

ગત વર્ષે પાંચ વિધાર્થીઓએ એ-1 અને 68 વિધાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. જામનગર કેન્દ્રનું ગત વર્ષે 79.92 ટકા પરિણામ આવ્યું હતું, જયારે આ વર્ષે 77.57 ટકા પરિણામ આવ્યું છે. ધ્રોલ કેન્દ્રનું ગત વર્ષે 93.33 ટકા જયારે આ વર્ષે 87.02 ટકા પરિણામ આવ્યું છે. 

મોદી સ્કૂલના વિધાર્થીઓ રાજ્ય કક્ષાએ ઝળક્યા

જામનગર મોર્નિંગ - જામનગર 


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું તે પરિણામમાં જામનગરની મોદી સ્કૂલના વિધાર્થીઓએ મેદાન માર્યું છે. જામનગર જિલ્લાના ત્રણ એ-1 ગ્રેડ મેળવનારા વિધાર્થીઓમાંથી બે વિધાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં એક વિધાર્થીએ પ્રથમ ક્રમાંક અને બીજા વિધાર્થીએ આઠમો ક્રમાંક મેળવી મોદી સ્કૂલની સાથે જામનગરનું ગૌરવ વધાર્યું છે. જેમાં 99.99 પી.આર. સાથે ફ્રીનાંદ કંડોરીયાએ બોર્ડમાં પ્રથમ ક્રમાંક અને 99.92 પી.આર. સાથે આયુષ ચોવટીયાએ આઠમો ક્રમાંક મેળવ્યો છે.  

ગત વખત કરતા આ વખતે જિલ્લાનો ઉજળો દેખાવ 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા) 

ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજરોજ ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહ તથા ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ 2022 કરતા આ વર્ષે સમગ્ર રાજ્યના કુલ સરેરાશ રીઝલ્ટમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ આ વખતે 71.05 પોઇન્ટ આવ્યું છે. જે સમગ્ર રાજ્યમાં નવમાં નંબરે રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સમગ્ર રાજ્યમાં 13 મા ક્રમે રહેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો આ વખતે નવમા ક્રમે આવ્યો છે. જો કે ટકાવારી પ્રમાણે ગત વખત કરતા આ વખતે રીઝલ્ટ થોડું નીચું આવ્યું છે.

આજરોજ જાહેર થયેલા રીઝલ્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ વિદ્યાર્થીએ એ-વન ગ્રેડમાં નથી. જ્યારે પાંચ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ, 17 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ, 61 વિદ્યાર્થીઓએ બી- 2 ગ્રેડ, 90 વિદ્યાર્થીઓએ સી - 1 ગ્રેડ, 100 વિદ્યાર્થીઓએ સી - 2 ગ્રેડ તથા 24 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે.

આમ, અગાઉના વખત કરતા આ વર્ષે ધોરણ 12 ના રિઝલ્ટમાં જિલ્લાનો ક્રમ ઉપર આવ્યો છે. ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે આવેલી સરકારી મોડેલ સ્કૂલનું રીઝલ્ટ 90 ટકા આવ્યું છે.