જામનગર -ખંભાળિયા ધોરીમાર્ગ સાંજે ફરીથી મરણચીસથી ગાજી ઉઠયો
જામનગરનો સતવારા પરિવાર સગપણનો પ્રસંગ પૂર્ણ કરીને ખંભાળિયાથી જામનગર ફરતો હતો દરમિયાન ઝાખર ગામના પાટીયા પાસે નડ્યો અકસ્માત: જેનું સગપણ થયું હતું તે યુવાન તથા તેની ભાભી સહિત ચાર વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ: અન્ય પાંચને ઇજા: એકની હાલત ગંભીર
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને મૃતકોની મરણ ચીસથી ગાજી ઉઠ્યો છે. એકી સાથે ચાર ચાર વ્યક્તિના મૃત્યુને લઈને ભારે અરેરાટી ફેલાઈ છે. જામનગરનો એક સતવારા પરિવાર ખંભાળિયામાં સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને પરત ફરતો હતો, ત્યારે જાખર ગામના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. બે કાર સામસામે અથડાઈ પડતાં જેનું સગપણ થયું હતું, તે યુવાન અને તેના ભાભી સહિત ૪ વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા ચેતન ખાણધર નામના ૨૪ વર્ષના યુવાનનું ખંભાળિયાની એક યુવતી સાથે સગપણ યોજાયું હતું, અને સતવારા પરિવાર ગુરુવારે સવારે કારમાં બેસીને ખંભાળિયા પહોંચ્યો હતો, અને સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને સાંજના સમયે જામનગર પરત ફરી રહ્યો હતો.
તેઓની જીજે ૧૦ એ. પી. ૯૩૩૭ નંબરની કાર જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર લાલપુર નજીક જાખર ગામના પાટીયા પાસે પહોંચતાં સામેથી આવી રહેલી જી.જે.૦૮ એ.ઇ.૩૮૩૩ નંબરની કારના ચાલે કે ઠાકર મારી દેતા બંને કાર ધડાકાભેર અથડાઈ પડી હતી.અને ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં જેનું સગપણ યોજાયું હતું તે સતવારા યુવાન ચેતન ખાણધર (ઉંમર વર્ષ ૨૪) નું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત કારમાં બેઠેલી તેની ભાભી રીનાબેન નરેન્દ્રભાઈ (ઉંમર વર્ષ ૨૮) કે જેને પણ ગંભીર ઇજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઉપરાંત સતવારા પરિવારના સંબંધી મોરબીમાં રહેતા મનિષાબેન ચુનીલાલ (ઉંમર વર્ષ ૩૫) કે તેઓ પણ કારમાં બેઠેલા હતા અને તેઓનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
ઉપરોક્ત અકસ્માતના બનાવ સમયે જામનગરમાં ખેતીવાડી ફાર્મ વિસ્તારમાં રહેતી પૂજાબેન રાજુભાઈ વાઘેલા નામની દેવીપુજક યુવતી કે જે જાખર પાટીયા પાસે ઉભી હતી, અને બે કારની વચ્ચે દબાઈ જતાં ગંભીર ઇજા થવાના કારણે તેણીનું પણ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત ઉપરોક્ત અકસ્માતમાં અન્ય કારના ચાલક જીત કનખરા ૨૬વર્ષ) કે જેને પણ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, અને તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
આ ઉપરાંત સતવારા પરિવારની કારમાં બેઠેલા ભૂદર ભાઈ ખાણધર (૪૦ વર્ષ), નરેન્દ્ર ભાઈ ખાણધર (ઉંમર વર્ષ ૩૫), હેતવીબેન ખાણધર (બે વર્ષ) અને નેહલ ચુનીલાલ હડિયલ (૧૬વર્ષ) કે જેઓને પણ નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
ઉપરોક્ત અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને તમામ મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સાહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. આ બનાવને લઈને જામનગરના સતવારા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
0 Comments
Post a Comment