ત વર્ષે નવમા ક્રમે રહેલા દ્વારકા જિલ્લાનું આ વખતે 81 ટકા પરિણામ 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા) 

લાંબી ઇન્તેજારી બાદ આજરોજ ગુજરાત રાજ્યના ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યનું પરિણામ નોંધપાત્ર ટકાવારીમાં ઘટ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વધુ એક પરિણામ ગત વર્ષ કરતા સુધર્યું છે. નવમાં ક્રમમાં રહેલો દ્વારકા જિલ્લો આ વખતે સમગ્ર રાજ્યમાં સાતમા ક્રમે ઝળક્યો છે.
માર્ચ - 2023 માં લેવામાં આવેલી ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સમગ્ર રાજ્યનું પરિણામ 73.27 ટકા આવ્યું છે. જેમાં સાતમા ક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લો 80.90 ટકા પરિણામ સાથે અગ્રસ્થાને રહ્યો છે.
આજરોજ જાહેર થયેલા ધોરણ 12 ના બોર્ડના પરિણામમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 233 વિદ્યાર્થીઓએ એ-2, 655 વિદ્યાર્થીઓએ બી-1, 881 વિદ્યાર્થીઓએ બી-2, 918 વિદ્યાર્થીઓએ સી-1, 538 વિદ્યાર્થીઓએ સી-2 અને 58 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો. ભાણવડ તાલુકાના રૂપા મોરા ગામની સરકારી શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે માસના પ્રારંભમાં જાહેર થયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષા તેમજ ગત સપ્તાહમાં જાહેર થયેલી ધોરણ 10 ની પરીક્ષાના પરિણામોમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ અગાઉના વર્ષો કરતા વધુ સારું આવ્યું છે. જેમાં આ વખતે પણ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં નોંધપાત્ર સુધારો થયો છે.