મહત્વના પ્રશ્નના નિરાકરણ માટે ખાસ ટીમ દ્વારા સર્વે કરાશે
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી અને અનેક બોર-કુવાઓના પાણીના જથ્થાને જીવંત રાખતી મહત્વની એવી ઘી નદી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગંદી ગોબરી બની રહી છે. જેના મુખ્ય કારણરૂપ આ નદીમાં ફેલાયેલી ગાંડીવેલ તેમજ લાંબા સમયથી તેનો નિકાલ કરવામાં ન આવતા આ આશીર્વાદરૂપ નદી જાણે ગંદી ગટર બની ગઈ હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
ખંભાળિયાના ઘી ડેમમાંથી નીકળી અને રામનાથ મંદિર, રામનાથ સોસાયટી થઈ અને ખામનાથ સુધી વિસ્તરેલી ઘી નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉગી નીકળતી ગાંડીવેલ નદીના જળને પ્રદૂષિત કરી દુર્ગંધ તથા મચ્છરનું ઉત્પતિ કેન્દ્ર બની રહી છે. જે અંગે લોકોના રોષ તેમજ અખબારી અહેવાલોના પગલે સ્થાનિકો દ્વારા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવી હતી.
આ નદીમાં ભાળતા ગટરના ગંદા પાણીના કારણે પ્રદૂષિત પાણીમાં ગાંડીવેલ ઉગી નીકળે છે. જેથી આ નદીમાં ગટરનું ગંદુ પાણી ન ભળે અને નદી પ્રદુષિત ન થાય તે માટે રાજ્યમંત્રી મુળુભાઈ બેરા દ્વારા અહીં ખાસ ટીમ મોકલી અને સર્વે અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઘી નદીમાં ગટરનું ગંદુ પાણી ન ભળે તો ગાંડી વેલના ઉગવાના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવે તે અંગે ખંભાળિયા નગરપાલિકા દ્વારા રાજકોટ નિયામકને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ, આ મહત્વના પ્રશ્નના હાલ માટે અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા પણ ગાંડીવેલના મુદ્દે અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાને સૂચન કરવામાં આવ્યું હતું.
0 Comments
Post a Comment