એલસીબીની ટીમે છેક મધ્ય પ્રદેશ સુધી તપાસનો દોર લંબાવી હત્યારા આરોપીને ઝડપી લઇ જામનગર લવાયો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં તાજેતરમાં એક પર પ્રાંતીય મહિલાની હત્યા નો બનાવ બન્યો હતો, જે હત્યાનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે, અને ચેક મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવ્યા પછી હત્યા કરીને ભાગી છુટેલા પર પ્રાંતીય શખ્સને મધ્યપ્રદેશમાંથી શોધી કાઢી જામનગર લઈ આવ્યા છે. જેણે પૈસાની લેતી દેતી ના મામલે હત્યા કરી નાખી હોવાનું કબૂલી લીધું છે,
 આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની અને હાલ જામનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલ સિંગ બલરામ સિંઘ બધેલ ની પત્ની મીનાબેન કે જે ૨૨.૪.૨૦૨૩ ના દીને પોતાના ઘેર એકલી હતી, દરમિયાન તેણીને ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવાઈ હતી.
 જે તે વખતે મહિલાનું ગળાફાંસો ખાઈ લઇ મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન તેણીને ગળે ટૂંપો દઈને હત્યા નિપજાવાઈ  હોવાનું તારણ નીકળતાં પોલીસ દ્વારા આ બનાવમાં અજાણ્યા શખ્સ સામે હત્યા અંગેના ગુનો નોંધવામાં આવ્યો હતો, અને હત્યારા ને શોધવા માટે ચો તરફ તપાસનો દોર લંબાવાયો  હતો.
 દરમિયાન એલસીબી ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ દરેડ વિસ્તારમાં જ રહીને મજૂરી કામ કરતો જવારસિંગ ખુશીરામ જાટવ કે જે હત્યાના બનાવના દિવસે દરેડ વિસ્તારમાં દેખાયો હતો, અને ત્યાર પછી એકાએક લાપતા બન્યો હતો. તેથી એલસીબી ની ટીમ તથા પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટીમે  સંયુક્ત રીતે જુદા જુદા વિસ્તારના કેમેરાઓ નિહાળ્યા હતા, અને છેક મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવી એક સંયુક્ત પોલીસ ટુકડી મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ઇન્દ્રગઢ તાલુકાના ચોખરા ગામ સુધી પહોંચી હતી, અને ત્યાંથી જવારસિંગ ખુશીરામ જાટાવ નામના શખ્સને ઉઠાવી લીધો હતો.
જેની યુક્તિ પ્રયુક્તિ વાપરીને  ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં તેણે આખરે હત્યા કર્યાનું કબૂલી લીધું હતું, અને પૈસાની લેતી દેતી ના મામલે આવેશમાં આવી જઈ મીનાબેન ને સાડી વડે ગળે ટૂંપો આપી દીધો હોવાનું કબૂલ કર્યું હતું.
જેથી પોલીસ ટુકડી આરોપીને લઈને જામનગર પરત ફરી હતી, અને પંચકોશી બી. ડિવિઝનમાં સુપ્રત કરી દીધો છે. પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.