જામનગર મોર્નિંગ - કર્ણાટક 

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક શાનદાર જીત તરફ આગળ વધી રહી છે, ત્યારે બધા પ્રયસો છતાં ભાજપને કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ કર્ણાટકમાં પાર્ટીની હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું, “અમે આગામી ચૂંટણીઓમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરીશું. અમે પાર્ટીનું પુનર્ગઠન કરીશું. અમે લોકસભાની ચૂંટણીમાં પુનરાગમન કરીશું. અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.”

ભાજપ નેતા અને કેન્દ્રીયપ્રધાન શોભા કરંદલાજેએ કહ્યું, “લોકશાહીમાં જીતવું કે હારવું એ મોટી વાત નથી. અમે અમારી હાર સ્વીકારી લીધી છે. અમે વિપક્ષ તરીકે લડીશું અને અમારો ઉદ્દેશ્ય 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો છે.”

કર્ણાટકના ભાજપના રાજ્યસભા સાંસદ લહર સિંહ સિરોયાએ કહ્યું કે, “ભ્રષ્ટાચારનો આરોપ અમારા પર ચોંટાડી દેવામાં આવ્યો છે. તેથી જ સરકારના ઘણા પ્રધાનોઓ ચૂંટણી હારી ગયા. અમે યોગ્ય જવાબ આપી શક્યા નહીં. ટિકિટ વિતરણમાં પણ સમસ્યા થઇ હતી. ગુજરાત મોડલ અપનાવવું જોઈતું હતું, નવા લોકોને ટીકીટ આપવી જોઈતી હતી.”

કર્ણાટકમાં એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અલગ-અલગ આઠમાંથી છ એક્ઝિટ પોલ એજન્સીઓએ કોંગ્રેસની જીતનો દાવો કર્યો હતો. આ દાવાઓ સાચા સાબિત થઈ રહ્યા હોવાનું જણાય છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું, “સૌથી જૂની પાર્ટી જીતી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હારી ગયા છે.” જયરામે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે ધ્રુવીકરણનું રાજકારણ પસંદ કર્યું હતું.

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું, “જો તેઓ (ભાજપ) કરોડો રૂપિયા ખર્ચે તો ‘ઓપરેશન લોટસ’ થઈ શકે છે, પરંતુ કોંગ્રેસને બહુમતી મળશે. કર્ણાટકમાં મજબૂત કોંગ્રેસીઓ છે.”