ખંભાળિયામાં પૈસાની લેતી-દેતી બાબતે યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)
ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા સરકારી ગોડાઉનની બાજુમાં રહેતા શાહિદ હુસેનભાઈ કચ્છી નામના 25 વર્ષના યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા યુનુસશા હારુનશા દરવેશ, આસીફ યુનુસ દરવેશ અને સુલતાન દાઉદ ગજણ નામના ત્રણ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા સળિયા વડે હુમલો કરીને ઈજાઓ કરવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આરોપી યુનુસશા દરવેશને ફરિયાદી શાહિદભાઈ સાથે પૈસાની લેતી-દેતી હોય, જે બાબતનું મનદુઃખ હોવાથી ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાટિયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ પાંચ શખ્સો સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અનિલભાઈ બુધ્ધાભાઈ પરમાર નામના 25 વર્ષના યુવાન સાથે ડેલા પાસેથી નીકળવા બાબતનો ખાર રાખી, આ જ ગામના રામા ખીમા મકવાણા, રમેશ નાથા બથવાર, રમેશ રાણા મકવાણા, ડાયા આલા મકવાણા અને સુમિત પબા મકવાણા નામના પાંચ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા લાકડી વડે બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તેમજ જાનથી નાખવાની ધમકી આપવા અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
મીઠાપુરમાં ત્રણ જુગારીઓ ઝડપાયા
મીઠાપુરના આરંભડા વિસ્તારના ગાયત્રીનગર ખાતેથી પોલીસે મોડીરાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા સતાર સિદ્દીક સુંભણીયા, અનવર જુનસ ચમડીયા અને ફિરોઝ ઈકબાલ કાયથ નામના ત્રણ શખ્સોને રૂપિયા 3,730 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
મીઠાપુરમાં પીધેલી હાલતમાં ટ્રક ચાલક ઝડપાયો
મીઠાપુર નજીકના હાઈવે માર્ગ પરથી રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા છ લાખની કિંમતના 14 વ્હીલવાળા ટ્રકને લઈને નીકળેલા શિવમભા રવાભા માણેક (રહે. આરંભડા સીમ) નામના 21 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
મીઠાપુરના દેવપરા ખાતેથી સ્થાનિક પોલીસે ગઢેચી ગામના માણસંગભા વિરમભા માણેક નામના 25 વર્ષના શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, આ શખ્સો સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઓખામાં છરી સાથે યુવાન ઝડપાયો
ઓખામાં કનકાઈ જેટી પાસેથી પોલીસે મનોજભા વસ્તાભા હાથલ નામના 24 વર્ષના યુવાનને છરી સાથે નીકળતા ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.
0 Comments
Post a Comment