જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર નજીક જાંબુડા વિસ્તારમાં રહેતી અને ભંગાર વીણવાનું કામ કરતી એક યુવતી ને જોડિયાના ખીરી નજીક ૬૬ કેવીના સબ સ્ટેશનમાંથી વિજ આંચકો લાગતાં તેણીનું અપમૃત્યુ થયું છે. જે મામલે જોડિયા પોલીસ તપાસ ચલાવે છે.

મળતી વિગત મુજબ જામનગર નજીક જાંબુડા પાસે રહેતી અને ભંગાર વીણવાનું કામ કરતી નિર્મળાબેન વાલજીભાઈ ગોગિયા નામની ૩૫ વર્ષની  શ્રમિક યુવતી, કે જે ગઈકાલે જોડીયા તાલુકાના ખીરી ગામ પાસે આવેલા ૬૬ કેવી ના સબ સ્ટેશન પાસે ભૂલથી એક લોખંડ ના વાયરની પ્લેટને ભંગાર સમજીને ઉપાડવાની કોશિશ કરતાં તેણીને તેમાંથી એકાએક વિજઆંચકો લાગ્યો હતો, અને ચોટી જવાના કારણે તેણીનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે જાંબુડા માં રહેતી લક્ષ્મીબેન રમેશભાઈ ધૈયડા નામની એક મહિલાએ જોડિયા પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરાંત મૃતક યુવતીને કયા સંજોગોમાં વીજ આંચકા  લાગ્યો છે, તે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.