જિલ્લામાંથી બે દરોડામાં પાંચ દારૂની બોટલ સાથે બે ઝડપાયા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં આરટીઓ ચોકડી પાસેથી પંચ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે 312 નંગ દારૂની બોટલ સહિત રૂ. 4.56 લાખનો મુદામાલ કબ્જે કરી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી, જયારે જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં તથા જોડીયા તાલુકામાંથી પોલીસે બાતમીના આધારે પાંચ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તથા પાંચ લીટર દેશીદારૂ સાથે બે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર-ખંભાળિયા રોડ પર આવેલ આર.ટી.ઓ. ચોકડી પાસેથી એક શખ્સ દારૂનો જથ્થો લઈને નીકળવાનો હોય તેવી બાતમી પંચ બી પોલીસ સ્ટેશનના હરદેવસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાને મળતા પીએસઆઈ એન.એ. મોરીને વાકેફ કરી સ્થળ પર વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી જીજે 25 જે 9775 નંબરની કારનો ચાલક પોલીસને જોઈ કાર છોડી નાસી ગયો હતો, બાદમાં કારની તલાસી લેતા રૂ. 1.56 લાખની કિમંતની 312 નંગ દારૂની બોટલ મળી આવી હતી, તથા કાર સહિત રૂ. 4.56 લાખનો મુદામાલ કબ્જે કરી કારચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં મોટા વડાળા ગામના પાટીયા પાસેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે જીજે 10 ટીએક્સ 4549 નંબરની બોલેરો ગાડી રોકાવી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની એક નંગ બોટલ મળી આવતા ચાલક મનીષ કિશોરભાઈ મકવાણા નામના શખ્સને ઝડપી લઈ બોલેરો સહિત રૂ. 5,00,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે એલસીબી પોલીસે બાતમીના આધારે જોડીયા તાલુકાના પડાણા ગામમાં રહેતો ભરત લાલજીભાઈ જાદવના રહેણાંક મકાનમાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની 4 નંગ બોટલ તથા પાંચ લીટર દેશી દારૂ મળી આવતા મકાનમાલિક ભરતની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.