લાલપુર નજીક જાખર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગલિશ દારૂ પકડાયો: મકાન માલિક ની અટકાયત

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ખંઢેરા રોડ પરથી એક કારમાં લઈ જવાતો ઈંગ્લીશ દારુ પકડવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને દોઢ કી.મી.ની દોડધામ પછી કારમાંથી ૩૩૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને જામનગરના બુટલેગરની અટકાયત કરી છે. લાલપુર તાલુકાના જાખર ગામમાં એક મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો છે.

જામનગર જિલ્લામાં લાલપુર અને કાલાવડ પંથકમાં દારૂ અંગે બે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ દરોડો કાલાવડ ગામે પોલીસે ખંઢેરા રોડ પર પાડ્યો હતો, અને એક કારમાંથી ૩૩૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો કબજે કર્યો છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એચ.વી. પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી, કે એક દારુ ભરેલી કાર રાજકોટ તરફથી આવી રહી છે, અને તેમાં જામનગરનો એક શખ્સ દારૂનો જથ્થો સંગ્રહ કરીને જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે ખંઢેરા ગામ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ત્યાંથી જી.જે. ૧૦ એ.સી. ૩૨૩૧ નંબરની કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને અટકાવી હતી.


પરંતુ કાર ચાલકે કાર રોકવાના બદલે જામનગર તરફ હંકારી મૂકી હતી, તેથી પોલીસ જીપમાં બેસીને કારનો પીછો કર્યો હતો, અને દોઢ કિલોમીટરના અંતરમાં જ ઓવરટેક કરીને કારને આંતરી લીધી. જે કારની રોકીની તલાસી લેતાં અંદરથી ૩૩૨ નંગ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

 જેથી પોલીસે ઇંગલિશ દારૂ અને કાર સહિત ૩,૨૬,૦૦૦ની માલમતા કબજે કરી હતી, જ્યારે કારની અંદર બેઠેલા જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં રહેતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઘેલાની અટકાયત કરી લીધી હતી, જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારુનો જથ્થો જામનગરમાં રહેતા પ્રણવદીપસિંહ ચંદ્રસિંહ વાઘેલાએ આયાત કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે

ઇંગ્લિશ દારૂ અંગેનો બીજો દરોડો લાલપુર પંથકમાં પાડવામાં આવ્યો હતો. લાલપુરના જાખર ગામમાં જૂની સમાજ વાડી પાસે રહેતા મહેન્દ્રસિંહ ચતુરસિંહ વાળાના મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડયો હતો અને રેહેણાક મકાનમાંથી રૂપિયા ૧૯ હજારની કિંમતનો 38 નંગ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો હતો અને મકાન માલિક મહેન્દ્રસિંહ વાળાની અટકાયત કરી લીધી છે.