ખુદ જિલ્લા પોલીસ વડા મેદાનમાં ઉતર્યા: ૧૫થી વધુ રેકડી ૨૫ પથારા સહિત ત્રણ મોટા ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરાયો: પાંચ હાટડી વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા ૧૫ ઓટલાના દબાણો પણ પોલીસની હાજરીમાં દૂર કરી લેવાયા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે બર્ધનચોક વિસ્તારના દબાણો દૂર કરવા માટેનું મેગા ઓપરેશન હાથ ધર્યું હતું, અને ખુદ જિલ્લા પોલીસવડા ગઈકાલે મેદાનમાં ઉતર્યા હતા. ભારે પોલીસની હાજરીમાં મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ મોટા પ્રમાણમાં રેકડી- કેબીનો સહિતના દબાણો દૂર કર્યા છે, અને મોટા ટ્રેક્ટર વાળી ટ્રોલી સાથેના ત્રણ વાહનોમાં માલ સામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. આ વેળાએ ભારે નાશભાગ મચી ગઈ હતી, અને આખરે બર્ધનચોકનો વિસ્તાર ખુલ્લો કરી દેવાયો છે.
જામનગરના શહેરના બર્ધન ચોક વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઓ અડેધડ ખડકાઈ જતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. પરિણામે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ સતત ચલાવાતી રહે.છે.
ગઈકાલે ફરી એક વખત દબાણ હટાવ ઝુંબેશ બપોર પછી હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૫ રેકડી જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૫ પથારાવાળા- ફેરિયાઓનો માલસામાન જપ્તીમાં લેવામાં આવ્યો હતો. જેના મોટા ત્રણ ટ્રેક્ટર ભરાયા હતા.
ગઈકાલે દબાણ હટાવ ઝુંબેશમાં મહાનગર પાલીકાના અધિકારી સાથે ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જોડાયા હતા.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી એન. આર દીક્ષિત, સુનીલ ભાનુશાલી, યુવરાજસિંહ જાડેજા, તેમજ એસ્ટેટ શાખાનો વિશાળ કાફલો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ વિશાલ પોલીસ કાફલો બર્ધનચોક વિસ્તારમાં ઉતરી પડ્યો હતો.
આ દબાણ હટાવ ઝુંબેશને લઈને ફેરિયાઓમા નાસભાગ મચી જવા પામી હતી.દરરોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા નાં નિવારણ માટે ગઈકાલે ફરી એક વખત દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અનેક રેકડી તેમજ પથારાવાળા ફેરિયાનો માલસામાન કબ્જે કરવામાં આવ્યો હતો.
કેટલાક દુકાનદારો દ્વારા લોખંડની જાળીઓ મૂકી દેવામાં આવી હતી, તેવી ૪૦થી વધુ લોખંડની જાળી પણ કબજે કરી લેવામાં આવી છે. અને રસ્તો ખુલ્લો કરાવાયો હતો. બર્ધનચોકથી માંડવી ટાવર સુધી આ કામગીરી કરવામાં આવતા ફેરિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.
આ પછી કાફલો કાલાવડ નાકા બહારના વિસ્તારમાં પહોંચ્યો હતો, અને ત્યાં પણ જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કેટલાક દુકાનદારો દ્વારા પોતાની દુકાનની બહાર નાના મોટા ઓટલાઓ ખડકી દેવાયા હતા, તેવા ૧૫ ઓટલાના દબાણો પોલીસની હાજરીમાં દૂર કરી લેવામાં આવ્યા છે, અને ત્યાં પણ રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો છે.
0 Comments
Post a Comment