• માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો અને એજન્સી આળસ મરડીને હવે ઉભા થાઓ ! 


તીરછી નજર - ભરત હુણ 

જામનગર મોર્નિંગ – ખંભાળીયા : દેવભૂમિ દ્વારકામાં માર્ગ અને મકાન વિભાગ જીલ્લા પંચાયત હસ્તકના અનેક રોડના કામો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વિગેરે વિવિધ યોજના તળે મંજુર થયેલ છે. સરકાર માંથી જોબ નંબર અને મંજુરી મળી જાય છતાં પણ ઝાંઝવાના જળ સમાં આ રોડના કામો માત્ર એજન્સી અને પંચાયતના ઇજનેરોની દાનતના અભાવે થતા નથી. 

ભાણવડ તાલુકાના ભેનકવડથી મોખાણા થઈને ઘુમલી જતો માર્ગ આશરે ૫ કિમી જેટલો લગભગ ૩-૪ વર્ષ પહેલાનો મંજુર થયેલ તે સિવાય ત્યાં નજીકમાં જ ધડુસીયા નેશ મોખાણા આ રોડ પણ દોઢ બે વર્ષ પહેલા મંજુર થયેલ પણ ટેન્ડર અને એજન્સીના તાળીદાવમાં આ રોડના કામ સ્થળ પર પૂર્ણ થતા નથી . આ ફક્ત બે રોડની વાત નથી પણ જીલ્લાના અનેક વિસ્તારોમાં આ હાલત છે નાની નાની ક્વેરી કે મુશ્કેલીઓને મોટી બનાવીને એજન્સી અને ઈજનેરો રોડના કામો વર્ષો સુધી કરતા નથી. જો એજન્સી ટેન્ડર ભરીને પછી કહે કે હવે પરવડતું નથી તો કાયમી માટે બ્લેક લીસ્ટ કરો એજન્સી માં સામેલ ભાગીદારો અને પરિવારના સભ્યોના નામની અન્ય એજન્સીને પણ એ ટેન્ડર ભરવા માંથી બાકાત કરો તમે થોડા સ્ટ્રીક થાઓ એજન્સી દોડીને કામ કરશે બાકી તમે જ કામ અટકાવનાર એજન્સીને સહકાર આપશો તો એ આમ જ કરશે. 

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત હસ્તકના રોડના કામનું લીસ્ટ જો જોવામાં આવે તો ખ્યાલ આવે કે મોટા ભાગના રોડ સમયસર તો નહી પણ વર્ષો સુધી થતા નથી આ તૂટેલા ફૂટેલા રોડના લીધે ગ્રામીણ લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ એજન્સી અને ઈજનેરોએ સમજવું જોઈએ. જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી , ઈજનેરો અને અહીના કામો કરતી એજન્સીને ટકોરની ખાસ જરૂરિયાત છે.