ગુલાબનગરમાં મજાક મસ્તીમાં બે મિત્રો વચ્ચે ધોકા ઉલળ્યા

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા રફીક ઇકબાલભાઈ મકવાણા નામના ૪૦ વર્ષના વાઘેર યુવાને પોતાના માથા પર ધોકો ફટકારી ગંભીર ઇજા પહોંચાડવા અંગે પોતાના જ મિત્ર અલ્ફાજ ઉર્ફે પપ્પી ભુરાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને માથામાં ઇજા થઈ હોવાથી પાંચ ટાંકા લેવા પડ્યા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી અને આરોપી બંને વચ્ચે મજાક મસ્તી કરવા બાબતે ઝઘડો થયો હતો, અને આરોપી ગાળો દેવા લાગતાં તેને ગાળો બોલવાની ના પાડવાથી ઉશ્કેરાઈ જઈ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

લાલવાડીમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના બંધ રહેણાક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીઘું હતું, અને અંદર પ્રવેશી લોખંડના કબાટમાંથી સોનાની બે વીંટી કાનની કડી તથા ૪૫,૦૦૦ની રોકડ રકમ સહિત રૂપિયા ૬૫,૦૦૦ની માલમતાની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને શોધવા માટે સીસીટીવી કેમેરાની મદદથી કવાયત શરૂ કરી છે.

જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ પાસેથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો
જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ પાસેથી ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં અજ્ઞાત પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતાં સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને મૃતદેહની ઓળખ કરવા માટે જામનગરની જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.

ચોર બેડી ગામમાં કૂવો ગાળવાનું કામ કરી રહેલા યુવાનના માથે ભેખડ ઘસી પડતાં ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આંબલા ગામમાં રહેતો અને કુવો ગાળવાનું કામ કરી રહેલો ઉમર તાલબભાઈ ગજણ નામનો ૪૦ વર્ષનો શ્રમિક યુવાન કે જે શનિવારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતા ખેડૂત સલીમભાઈ લાખાભાઈ સમાની વાડીમાં કૂવો ગાળવાનું કામ કરી રહ્યો હતો. જે દરમિયાન એકાએક ભેખડ ધસીને તેના માથા પર પડતાં ગંભીર ઈજા થવાથી તેનું બનાવના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રફીકભાઈ હાલેપોત્રાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ, મૃતદેહ નો કબજો સંભાળ્યો છે અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

નાઘેડીમાં અગમ્ય કારણોસર આશાસ્પદ યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
જામનગરના નાઘેડી ગામમાં ખાણ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર-1માં રહેતા દિલીપભાઈ અરજણભાઈ પરમાર નામના 30 વર્ષના યુવાને ગુરુવારે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન શનિવારે સાંજે મૃત્યુ નિપજતા મોટા ભાઈ દીપકભાઈએ પંચ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ધ્રોલના યુવાનનું બાઈક સ્લીપ થતા મોત
જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા સેતારભાઈ મગનભાઈ વાઘેલા નામના 30 વર્ષના યુવાન શુક્રવારે પોતાનું મોટરસાયકલ જીજે 06 ડીકે 6230 નંબરનું જામનગરથી ધ્રોલ તેમના ઘરે જતા હતા તે દરમિયાન રામપર ગામના પાટિયા પાસે એકાએક મોટરસાયકલ સ્લીપ થઈ જતા સેતારભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી, બાદમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં શનિવારે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વિનાભાઈ બચુભાઈ વાઘેલાએ પંચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.  


શહેરમાંથી બે શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયા
જામનગર શહેરમાં ખોડિયાર કોલોનીમાં આવેલ ખાનગી પેટ્રોલ પંપ પાસેથી સીટી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે હાથી કોલોનીમાં રહેતા કનૈયાલાલ અશોકભાઈ મીઠવાણી નામના શખ્સને ઈંગ્લીશ દારૂની એક નંગ બોટલ સાથે ઝડપી પાડ્યો હતો, જયારે સીટી એ ડિવિઝન પોલીસે ખોજા નાકા પાસેથી નંદનવન પાર્ક શેરી નં. 2માં રહેતા વીજય જીવુભાઈ ચુડાસમા નામના શખ્સને ઈંગ્લીશ દારૂની એક નંગ બોટલ સાથે ઝડપી લઈ સ્થાનિક પોલીસે બંને શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

જોગવડમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
જામનગર જિલ્લામાં આવેલ જોગવડ ગામમાં તળાવનેશ ઝૂંપડામાં રહેતા રામગુણ માણસુર સોમાત નામના શખ્સને ત્યાં મેઘપર પોલીસે બાતમીના આધારે દરોડો કરી દેશીદારૂની ભઠ્ઠી, તથા કાચો આથો મળી કુલ રૂ. 9300નો મુદામાલ કબ્જે કરી ઉપરોક્ત આરોપી હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.


જામનગરમાં બે બાઈક અથડાતા યુવાનને ફેક્ચર સહિતની ઈજા
જામનગરમાં વિકાસ ગૃહ રોડ પર આવેલ હોન્ડાના શોરૂમ પાસે શુક્રવારે રાત્રે વિશ્વરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમાર નામનો યુવાન જીજે 10ડીકે 9137 નંબરનું મોટરસાયકલ લઈને જતો હોય ત્યારે જીજે 10 ડીજી 4209 નંબરના મોટરસાયકલના ચાલક આનંદ કિશોરભાઈ પારેજીયાએ ઠોકર મારી ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા વિશ્વરાજસિંહે સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મોટરસાયકલના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.