ત્રણ મિત્રો પૈકી એકનું અંતરિયાળ મૃત્યુ: અન્ય બેની હાલત ગંભીર: જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી પાસે ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈને ડિવાઇડર સાથે ટકરાઈ ગયું હતું, અને ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણ મિત્રો પૈકી એક યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજયું છે, જયારે અન્ય બે યુવાનો ની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. અને સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે
મળતી વિગત મુજબ જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં દલિત નગરમાં રહેતા પ્રવીણ ભાણજીભાઈ પરમાર, જયેશ મનજીભાઈ પરમાર અને મિતેશ દેવજીભાઈ વાઘેલા કે જે ત્રણેય મિત્રો ગઈકાલ મંગળવારે બપોરે ત્રણ સવારી બાઈકમાં અન્નપૂર્ણા ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, દરમિયાન ચાલુ વરસાદે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, અને ત્રણેય ડિવાઈડર સાથે અથડાઈ ને માર્ગ પર ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થઈને પડ્યા હતા.
જે પૈકી મિતેશ દેવજીભાઈ વાઘેલા નામના યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય બે મિત્રો લોહીલુહાણ થયા હોવાથી તેઓને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને બંનેની સારવાર ચાલી રહી છે. જેઓની હાલત પણ ગંભીર ગણાવાઇ રહી છે.
આ બનાવની જાણ થતાં સીટી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોના પરિવારના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment