• ફૂડ પેકેટ તૈયાર કરવાના રાહતકેમ્પના સ્થળની કેન્દ્રિય મંત્રી ઉપરાંત પ્રભારી મંત્રી અને ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવાઇ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરની સેવાભાવી સંસ્થા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ સંસ્થા દ્વારા જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ના સહયોગથી ફૂડ પેકેટ બનાવવાની કામગીરી નો આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે રણજીત નગર વિસ્તારમાં લેઉવા પટેલ સમાજની વાડીમાં ૧૫,૦૦૦ જેટલા ફૂડપેકેટ તૈયાર કરાઈ રહ્યા છે, જે સ્થળની કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ ગુજરાત રાજ્યના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વગેરેએ મુલાકાત લીધી હતી.

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે, જે તમામ લોકો માટે જામનગરની સેવાભાવી સંસ્થા ઉપરાંત શહેર ભાજપના સંગઠન દ્વારા ફૂડપેકેટ બનાવવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરી લેવામાં આવી છે.

જેના અનુસંધાને જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાની આગેવાનીમાં ૧૫,૦૦૦ થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરીનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, અને ૪૦ થી વધુ સેવાભાવી ભાઈઓ- બહેનો સહિતના કાર્યકર્તાઓની ટિમ ફૂડ પેકેટ બનાવી રહી છે.

સંભવિત વાવાઝોડાને અનુલક્ષીને જામનગર જિલ્લાની વ્યવસ્થા નિહાળવા માટે આવેલા અને સમગ્ર જિલ્લાની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે જામનગર આવી પહોંચ્યા પછી તેઓએ લેઉવા પટેલ સમાજની મુલાકાત લીધી હતી. તેઓની સાથે  જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, ઉપરાંત જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા, અને તેઓએ સમગ્ર વ્યવસ્થા ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.

જેમની સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વીમલભાઈ કગથરા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા, અને નીચાણ વાળા વિસ્તારમાં વસવાટ કરનારા લોકો કે જેઓને આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા છે, તે તમામ લોકો ને ભોજન વ્યવસ્થા થઈ શકે, તે માટેના ફૂટ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની વ્યવસ્થા માં મદદરૂપ બન્યા છે. 









.