પ્રતિ કલાકના ૭૦ કિમીની ઝડપે પવન સાથે વરસાદી ઝાપટું વરસી ગયું: જોકે બાદમાં ઉઘાડ નીકળ્યો

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં ગઈકાલે બપોરે બાદ વાવાઝોડાની અસર જોવા મળી હતી, અને સંભવિત વાવાઝોડાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેની જામનગર શહેરમાં ખાસ અસર જોવા મળી હતી અને એકીસાથે ૧૬ ઝાડ ઉખડી ગયાના અહેવાલો મળ્યા છે, અને ફાયર તંત્ર દોડતું થયું છે.
જામનગર શહેરમાં બપોરે ૪.૩૦ વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને પ્રતિ કલાકના ૫૫ થી ૬૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. અને ભારે ગાજ વીજ સાથે ધીમીધારે વરસાદ પણ શરૂ થયો હતો, અને શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસી ગયા હતા.
આ તોફાની પવનના વંટોડીયામાં જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, લાલ બંગલા સર્કલ, હવાઈચોક, કિસાન ચોક, રતનભાઇ મસ્જિદ, પટેલ કોલોની સહિતના જુદા-જુદા ૧૬ વિસ્તારોમાં જુના ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, જેને લઈને મહાનગરપાલિકાના ટેલીફોન રણકયા હતા.
જામનગરની ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ કરવત, રસ્સા, સહિતની સાધન સામગ્રી લઈને તમામ સ્થળો પર પહોંચી ગઈ છે, અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓ કરવત વડે કાપીને દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટેની કવાયત હાથ ધરી લેવામાં આવી હતી.
શહેરમાં અનેક સ્થળોએ ઝાડ પડવાના અહેવાલની સાથે સાથે વીજવાયરો પણ તૂટ્યા હતા, અને શહેરના અનેક વિસ્તારોમાં અંધાર પટ છવાયો હોવાથી વિજ તંત્રને પણ દોડધામ થઈ છે. જામનગરની મેડિકલ કેમ્પસના એરિયામાં ત્રણ વીજ થાંભલા પડી ગયા હોવાથી વિજતંત્રની ટુકડી તાત્કાલિક દોડી ગઈ હતી, અને મરામતની કામગીરી હાથ ધરી છે.
શહેરમાં પણ અનેક સ્થળોએ વીજવાયરો તૂટ્યા હોવાથી આવા વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલાક જાહેરાત બોર્ડ તેમજ કોઈ મકાન પરથી સોલાર પેનલ ઉડી ગયા ના પણ અહેવાલો મળ્યા છે.

જોકે આ અસર થોડો સમય જોવા મળી હતી, અને વાદળો ખુલ્લા થઈ ગયા પછી વરસાદ અને પવન રોકાઈ ગયા હતા. પરંતુ હજુ હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવાની તેમ જ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.