નાની બહેને ઘરકામ બાબતે ઝઘડો કરતાં મોટી બહેનને મનમાં લાગી આવવાથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર નજીક દરેડમાં રહેતા એક રીક્ષા ચાલકની પુત્રીએ ગઈકાલે પોતાના ઘેર ગાળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની નાની બહેન સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં મનમાં લાગી આવવાથી આપઘાત કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા દિનેશભાઈ રામજીભાઈ મારુની ૨૧ વર્ષીય પુત્રી ફાલ્ગુનીબેને ગત આઠમી તારીખે પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પિતા દિનેશ રામજીભાઈ મારુએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ફાલ્ગુની બહેનને તેની નાની બહેન ખુશ્બુ (૧૦ વર્ષ) સાથે ઘરકામ બાબતે ઝઘડો થયો હતો, અને તેણીને મનમાં લાગી આવ્યું હતું, જેથી ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. 

.