જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૧૩ : દરિયામાં સર્જાયેલ બીપોરજોય ચક્રવાત વાવાજોડાની દહેશત પોરબંદર,દેવભૂમિ દ્વારકા અને જામનગર સહીત ગુજરાતના દરિયા કાઠા નજીકના તમામ વિસ્તારોમાં છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૨ દિવસથી તેજ પવન ફુકાઇ રહ્યો છે. આ તેજ પવનમાં જીલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાસાઈ થયા છે જેમાં રોડ કાંઠેના વૃક્ષો પણ મોટાપાયે પડી ગયા છે.


ગતરાત્રીના ભાણવડ - જામનગર રોડ પરના ચાર પાટિયા નજીક રોડ પર વૃક્ષ પડતા ભાણવડ સામજિક વનીકરણ વિભાગના આર.એફ.ઓ.હર્ષાબેન પંપાણીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ફોરેસ્ટર સીદાભાઇ વકાતર વિગેરે ટીમ દ્વારા નડતર રૂપ ડાળીઓ દુર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો જયારે આજે સવારે ભાણવડ - પોરબંદર રોડ પર ભરતપુર - આંબલીયારા નજીક રોડ પર વૃક્ષ ધરાસાઈ ભાણવડ નોર્મલ રેંજના આર.એફ.ઓ. દિનેશ સોલંકી, ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા તેમજ સામાજિક વનીકરણના વકાતરભાઈ સહિતના સ્ટાફે ટીમ સાથે દોડી જઈને નડતર રૂપ વૃક્ષની ડાળીઓ દુર કરાવી હતી. તેમજ ખંભાળીયા - દ્વારકા હાઈવે પર અને સલાયા જવાના રસ્તે વૃક્ષો રોડ પર પડતા પોલીસ ટીમએ તે નડતરરૂપ ડાળીઓ દુર કરાવી હતી. આમ જીલ્લામાં ભારે પવનના લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થયા છે જેમાં નડતર રૂપ વૃક્ષની ડાળીઓને વન વિભાગ અને પોલીસ દ્વારા તાકીદની અસરથી દુર કરવામાં આવ્યા હતા.