• જામનગરના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ, કલેકટરશ્રી બી.એ.શાહ અને કમિશનર શ્રી ડી.એન. મોદીએ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કરાઇ રહેલ કામગીરી અંગે માહિતી આપી


જામનગર તા.13 જૂન, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે જે જિલ્લાઓમાં વાવાઝોડાની વધુ અસર થવાની છે ત્યાંનાં વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા વહીવટી તંત્રને મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી. 


ગુજરાત રાજ્યના પ્રભારી સચિવ શ્રી રાજકુમારે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર શરૂ થઈ શકે છે. ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે નીચાણવાળા અને દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી, પીજીવીસીલ અને વનવિભાગની ટીમોને સાવચેતીના ભાગરૂપે તૈયારી કરવી તેમજ ભારે પવન અને વરસાદના પરિણામે જો કોઈ જગ્યાએ નુકશાન થાય તો લોકોની સલામતી અને સુરક્ષા ધ્યાને લઈને ત્વરિત મદદ પૂરી પાડવા જણાવ્યું હતું. 


વિડીયો કોન્ફરન્સમાં પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદ અને કલેકટરશ્રી બી.એ.શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના દરિયા કાંઠાની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. પીજીવીસીલની 50 જેટલી ટીમો હાલ કાર્યરત છે. વરસાદ અને પવનના પરિણામે અમુક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાઈ થવાના લીધે રસ્તાઓ બ્લોક થયેલા હોય તો ત્યાં સફાઇ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય છે. 


આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ,અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, કમિશનર શ્રી ડી.એન.મોદી. તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતા. 



*++++++++*