સંતાડેલી ૧૦૦ થી વધુ ફાઈલ કબજે કરાઈ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લા પંચાયતના ફાઈલ ચોરી તેમજ એલઈડી લાઈટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પૂર્વ ઇલેક્ટ્રિશિયનને સિટી એ ડિવિઝન પોલીસે પડધરી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો, અને જામનગર લઈ આવ્યા પછી તેને અદાલત સમક્ષ રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો છે. જે રિમાન્ડ દરમિયાન તેણે રણજીત ટાવર બીલ્ડીંગની અગાસી પર સંતાડેલી ૧૦૦થી વધુ ફાઈલ કબ્જે કરી લેવામાં આવી છે, જ્યારે આરોપીનની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

જામનગર જિલ્લા પંચાયતના ફાઈલ ચોરી તેમજ એલઈડી લાઈટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પૂર્વ ઇલેક્ટ્રિશિયનને પડધરી વિસ્તારમાંથી આરોપી હરીસિંહ ગોહિલને ઉઠાવી લેવાયો હતો, અને તેને જામનગર લઈ આવ્યા પછી ગઈકાલે ૧૫ દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે ચાર દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કરી હતી, અને ફરીથી ૧૫મી જુનના અદાલતમાં રજૂ કરવા હુકમ કરાયો હતો.

જે આરોપીની પૂછપરછ કરવામાં આવતાં તેણે લાલ બંગલા પાસે રણજિત ટાવર વિસ્તારના એક બિલ્ડીંગની અગાસી પર કેટલીક ફાઈલો સંતાડી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ ટુકડી રણજીત ટાવરના ધાબા પર પહોંચી હતી, અને ત્યાંથી ૧૦૦થી વધુ ફાઈલોનો જથ્થો કબ્જે કરી લેવાયો છે, જ્યારે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, અને ફાઈલો અને રજીસ્ટરનો જથ્થો તેણે ક્યાં સંતાડીને રાખેલો છે, ઉપરાંત ટ્રેક્ટરમાં જથ્થો ચોરી કરીને લઈ જવામાં તેની મદદમાં અન્ય કોણ જોડાયું હતું, વગેરેની પૂછપરછ ચલાવાઈ રહી છે.