વાવાઝોડાની સ્થિતિમાં પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી તે માટે આરોગ્ય વિભાગનું આગોતરું આયોજન 


ડાયાલિસિસની જરૂર છે તેવા દર્દીઓનું પણ સ્થળાંતર શરૂ, અતિકૂપોષિત બાળકોના ઘરે ભોજન પહોંચાડાયું 


માહિતી બ્યૂરો, દેવભૂમિ દ્વારકા, તા. ૧૨ જૂન -- રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો પર તોળાતા “બિપરજોય” વાવાઝોડા નામની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તે માટે નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ.એન. ભંડેરીની યાદીમાં જણાવાયું છે કે, આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું છે અને તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી છે, જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે.  

ઉપરાંત નજીકની ઈ.ડી.ડી. (સંભવિત સુવાવડવાળી) કુલ ૧૪૯ સગર્ભા માતાઓ છે, એમનો છેલ્લા બે દિવસથી સંપર્ક કરી અને એમાંથી ૬૦ સગર્ભા માતાને છેલા ૨૪ કલાકમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ છે. જયારે ૩૭ સગર્ભા માતાઓને સી.એચ.સી./સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ /ખાનગી હોસ્પિટલ સફળતા પૂર્વક સ્થળાંતર કરવામાં આવેલ છે. જયારે ૪૯ સગર્ભા માતાઓને હજુ સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારોમાં જે ગામડાઓ આવેલા છે, તેમાં જે દીકરીઓ પ્રસુતિ માટે આવેલ હોઈ એવી પાંચ દીકરીઓને પણ સલામત સ્થળે સી.એચ.સી., સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

વડત્રા પી.એચ.સી.ના ભરાણા ગામે સગર્ભા માતાઓને સમજાવતા હતા, ત્યારે રજીયાબેન સાજીદને પ્રસૂતિનો દુખાવો શરૂ થતા સગર્ભા બેનને સબ સેન્ટર પર સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ સ્થાનિક આરોગ્ય કાર્યકર દ્વારા કરાવવામાં આવેલ છે. હાલ માતા અને બાળકની તબિયત સારી છે. 

અન્ય સગર્ભા માતાઓના સ્થળાંતર માટે ૧૦૮, સ્થાનિક એમ્બ્યુલન્સ, પીપ પી.એચ.સી.ની એમ્બ્યુલન્સ તેમજ ખિલ-ખિલાટ એમ તમામ એમ્બ્યુલન્સ મળીને ૫૦ જેટલી એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. 

આ ઉપરાંત જિલ્લાના કુલ ૧૨૭ દર્દીઓ ડાયાલીસીસ સારવાર હેઠળ છે, જેઓને અઠવાડિક એક અથવા એકથી વધુ વખત ડાયાલિસીસ કરાવવા માટે તાલુકા/જિલ્લા કક્ષાએ આવવાનું થાય છે, આ ડાયાલીસીસ સારવાર પૈકીના કુલ ૪૪ દર્દીઓ એવા છે કે જેને આવતીકાલે મંગળવારે અને બુધવારે ડાયાલીસીસ થવાના છે, એવા તમામ દર્દીઓને તેમના સેન્ટર ઉપર સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

આ ઉપરાંત સી.એમ.ટી.સી.માં અતિકુપોષિત ૬ બાળકો દાખલ થયા હતા, એ તમામે તમામ બાળકો અલગ-અલગ ગ્રામ્ય વિસ્તાર હતા, એ તમામ બાળકોને સી.એમ.ટી.સી.માંથી રાંધેલા ખોરાકનું લંચ પેકિંગ કરીને તેમના ઘરે આર.બી.એસ.કે.ની મેડીકલ ટીમ દ્વારા પહોચાડવામાં આવેલ છે.


નવ મેડિકલ ટીમ તહેનાત કરાઈ


દ્વારકા જિલ્લામાં આકસ્મિક આરોગ્ય સેવાની તૈયારીનાં ભાગરૂપે રાજ્યકક્ષાએથી અલગ અલગ નવ મેડીકલ ટીમ તથા ૯ ડોકટરોની પ્રતિ નિયુક્તિ કરવામાં આવી છે. જે સાંજ સુધીમાં ટીમ દ્વારકાની અલગ અલગ સરકારી હોસ્પિટલો પર પહોચી જશે. ઉપરાંત નિષ્ણાંત તબીબી સેવાઓ માટે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ દ્વારકા ખાતે વધારાની એક તબીબી મેડીકલ ટુકડીને રાજ્ય કક્ષાએથી પ્રતીનીયુક્તી કરવા આદેશ કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ દ્વારકા પહોચી જશે. જેમાં ઓર્થોપેડિક સર્જન, એનેસ્થેટીક વગેરે ડોકટરોનો સમાવેશ થાશે જેથી નાની મોટી કોઈપણ ઈજાની સારવાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે થઈ શકે. આ ઉપરાંત આવતા એક સપ્તાહમાં ગ્રામ્ય કક્ષાએ તેમજ શહેરી કક્ષાએ જે વડીલોને ડાયાબીટીસ કે બલ્ડપ્રેસરની દવાઓ પૂર્ણ થતી હોઈ અને જેની ફોલોઅપ ડ્યુ છે તેવા તમામ ડાયાબીટીસ અને હાયપરટેન્શનના કુલ-૧૪૦૨૯ દર્દીઓ ને જિલ્લાના તમામ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર/આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના ઘરે-ઘરે જઈને બે અઠવાડિયાની દવાઓ પહોચાડવાની કામગીરી કાર્યરત કરેલ છે. જિલ્લા ખાનગી હોસ્પિટલના ૧૪ સ્ત્રી રોગ નિષ્ણાત તેમજ સાત બાળ રોગ નિષ્ણાંતો સાથે સંકલન કર્યું છે, જે જરૂર જણાયે તાત્કાલિક સેવાઓ પૂરી પાડશે. 


સંદીપ ૦૦૦૦૦૦૦૦