ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત જામનગર આર્મી અને એન.ડી.આર.એફ.ની ટીમ ની ૨૧ કલાકની કવાયત

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર તાલુકાના તમાચણ ગામમાં શનિવારે સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી બોરમાં ૩૦ ફૂટ નીચે ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ છે. ફાયર બ્રિગેડ, આર્મી એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ આખરે ૨૧ કલાકની જહેમત પછી બાળકીનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો, ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.
જામનગર તાલુકાના તમાચાણ ગામની એક વાડીનાં બોરવેલમાં ખેત મજૂરની અઢી વર્ષની બાળકી રોશની શનિવારે સવારે પડી ગઈ હતી, આ  સમયે બાળકીની માતાને જાણ થતાં જ તેણીએ બુમાબુમ કરી હતી. આ પછી સબંધિત તંત્રને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડ- ૧૦૮ની ટિમ પોલીસ સ્ટાફ વગેરે દોડી ગયા હતા. અને અઢી વર્ષની રોશનીને બોર માંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. બોરમાં કેમેરા પણ ઉતારવામાં આવ્યા હતા. જેથી બાળકી અંગે પળપળની જાણકારી મળતી રહે.પરંતુ કેમેરોમાં માત્ર બાળકીનો હાથ દેખાયો હતો. અન્ય કોઈ મુવમેન્ટ જોવા મળી ન હતી.
જેથી સમાંતર ૩૦ ફૂટનો ખાડો કરીને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે હિટાચી - જેસીબી મશીનનો ઉપયોગ પણ કરાયો હતો.જ્યારે મોડેથી આર્મી, એન.ડી.આર.એફ.ની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. 21 કલાકની જેમત બાદ આખરે બાળકીના મૃતદેહને બહાર કાઢી લેવાયો હતો, ત્યારે સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.