જામનગર જિલ્લાની જવાબદારી મંત્રી મુળુભાઈ બેરાને સોંપાઈ

જામનગર મોર્નિંગ - જામનગર


અરબી સમુદ્રમાં સર્જાયેલા  બિપરજોય વાવાઝોડા પગલે ગઈકાલે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાને જામનગર ની જવાબદારી સોંપવામાં આવતા તેમણે ગઈકાલે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

અરબ સાગરમાં સર્જાયેલ બીપરજોય ચક્રવાતને લઈને રાજ્ય સરકાર એલર્ટ બની છે. ગઈકાલે મુખયમંત્રી ભપેન્દ્ર ભાઈ પટેલે સાગર કાંઠો  ધરાવતા જિલ્લામાં અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપી હતી, અને જિલ્લામાં હાજર રહેવા સૂચના આપી હતી. જામનગર જિલ્લાની જવાબદારી રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને સોંપવામાં આવતા તેઓ ગઈકાલે સવારે જ જામનગર આવી પહોંચ્યા હતા.અને જિલ્લા કલેક્ટર બી.એ. શાહ અને જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડા સંબંધે તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરા આયોજન અંગે સમીક્ષા કરી હતી.

આ વાવાઝોડું જામનગરને અસર કરશે હાલના સંજોગોમાં જોવા મળી રહયું છે. ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. જે અંગેની ઝીણવટભરી માહિતી મંત્રી દ્વારા મેળવાઈ હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દ્વારા પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે.

જિલ્લાના બંદરો ઉપર ચાર નંબર નું સાવચેતી સુચક સિગ્નનલ લગાવી દેવાયું છે, અને આગામી ૧૪ અથવા ૧૫ તારીખ સુધી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવનાર છે. આમ જામનગર જિલ્લાનું તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું તેઓ ઉમેર્યું હતું.