વસઈ ગામમાં છાપરા પડવાના કારણે અને ઝાડ પડવાથી ત્રણ બાળકો સહિત પાંચ વ્યક્તિને ઈજા: રાવલસર ગામમાં વરસાદી વીજળી પડવાના કારણે એક ભેંસનું મૃત્યુ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ દરમિયાન વંટોળીયા પવનના કારણે ખાના ખરાબી થઈ છે, જેમાં જામનગર શહેરમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૨૩ ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, ઉપરાંત વરસાદી વીજળી પડવાના કારણે રાવલસર ગામમાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યું છે. જામનગર તાલુકાના વસઈ ગામમાં પતરા ઉડવાના કારણે ત્રણ બાળકો અને એક મહિલા ઘાયલ થઈ છે, જ્યારે એક પ્રૌઢ પર ઝાડ પડવાથી ઈજા થઈ છે.

જામનગર શહેરમાં શનિવારે તોફાની વંટોળીયા સાથેના ભારે પવનના કારણે ૧૬ ઝાડ જમીનમાંથી ઉખડીને માર્ગ પર પડ્યા હતા, અને ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં પહોંચી જઈ કરવતની મદદથી ઝાડની ડાળીઓ વગેરે દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કરાવાયા હતા.

ત્યારબાદ ગઈકાલે પણ તોફાની પવનના કારણે વધુ ૭ ઝાડ જમીનદોસ્ત થયા હોવાથી તે અંગેની પણ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, અને તમામ રસ્તાઓ ખુલ્લા કરાવવામાં આવ્યા છે. જેમાં એક કાર અને બે બાઈક પણ ઝાડ નીચે દવાઈ ગયા હોવાથી નુકસાની થઈ હોવાના અહેવાલો મળ્યા છે.

જામનગર તાલુકાના રાવલસર ગામમાં વરસાદી વીજળી પડવાના કારણે રોશનબેન પતાણી નામની એક મહિલાની ભેંસનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.

જામનગર તાલુકાના વસઈ ગામમાં પતરા ઉડવાના કારણે એક જ પરિવારના ત્રણ બાળકો ઇસ્માઇલ અબાસભાઈ શમાં (૧૫ વર્ષ) તોફીક શમા (૧૩ વર્ષ) અને તમન્નાબેન અબાસભાઈ શમાં (૧૦ વર્ષ)  કે જે ત્રણેય બાળકોને ઇજા થઈ છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ત્રણેય બાળકોની પ્રાથમિક સારવાર કરી રજા આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત વસઈ ગામમાં રહેતી ફાતીમાંબેન હારુનભાઈ ઘાવડા નામની ૪૩ વર્ષની મહિલાને પણ પતરું લાગવાના કારણે ઈજા થઈ હતી, અને તેણીને જામનગરની જી.જી. હોસ્પિટલનો સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના વસઈ ગામમાં હિતેશભાઈ સવજીભાઈ નામના ખેડૂતની વાડીમાં ઝાડ પડવાના કારણે દેવુભા ભીખુભા જાડેજા નામના ૫૬ વર્ષના પ્રૌઢને ઈજા થઈ હતી, અને તેઓને પણ જામનગરની હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.