સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના ૧૫ થી  વધુ કર્મચારીઓએ મોડી રાત્રે સુધીમાં સમારકામ હાથ ધરી તમામ ફીડરો ચાલુ કરી દીધા હતા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં શનિવારે મોડી સાંજે પડેલા વરસાદી ઝાપટાં અને મીની વાવાઝોડા રૂપી પવન ને લીધે અનેક ઝાડ પડવાના કારણે આઠથી વધુ ફીડરો બંધ થયા હતા અને ૨૦,૦૦૦ વીજ જોડાણમાં અંધારપટ છવાયો હતો. સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન ની પંદર થી વધુ કર્મચારીઓની ટુકડીએ રાત્રી ભર સમારકામ હાથ ધરીને તમામ ફીડર મોડી રાત સુધીમાં ચાલુ કરી આપ્યા હતા.

જામનગર શહેરમાં બીપોરજોય વાવાઝોડાની અસર ના કારણે જામનગરમાં ૬૦ કી.મી.થી વધુની ઝડપી પવન ફૂકાયો હતો. જેમાં વિજ તંત્રના ઘણા બધા વીજ પોલ તથા વીજ વાયરો ને નુકશાન થયું હતું.

સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા માહિતી મળ્યાના આધારે તેમના કાર્યક્ષેત્રમાં જ કુલ૧૧ કેવી ૧૫ ફીડરો અને તેની સાથે જોડાયેલા કુલ ૩૩,૫૦૦ આસપાસ વિજ ગ્રાહકો આવેલા છે, જેમાંથી ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અથવા મોટા મોટા ડાળખાઓ વિજ લાઈન ઉપર પડતાં વીજ વાયરો તૂટવાના બનાવો સામે આવ્યા હતા. અને જેના કારણે સેન્ટ્રલ ઝોનમાં જ કુલ ૮ જેટલા ફીડર બંધ થઈ ગયા હતા, અને અંદાજે ૨૦,૦૦૦ જેટલા વીજ જોડાણોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

જેમાં વાલકેશ્વરી ફીડર, સનસાઈન ફીડર, બેડીગેટ ફીડર, કેવી રોડ ફીડર, દરબારગઢ ફીડર, નવાગામ ફીડર, તીનબત્તી ફીડર, માંડવી ટાવર ફીડર વગેરેનો પાવર સપ્લાય બંધ થયો હતો.

પીજીવીસીએલના એચ.ટી. પેટા વિભાગના નાયબ ઇજનેર  મારુ તથા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમારની રાહબરી હેઠળ વિવિધ ટેકનીકલ ટીમોને તૈયાર કરીને અલગ અલગ જગ્યાએ વીજ અકસ્માત ન થાય તે માટે એક વિજ પોલથી બીજા વિજપોલ સુધી પેટ્રોલિંગ કરીને નાના મોટા ફોલ્ટ દૂર કરીને રાત્રી સુધીમાં તમામ ફીડર નો પાવર ચાલુ કરવાનું સલામત રીતે પાર પાડ્યું હતું.

અમુક વિસ્તારો જેવા કે રતનબાઈની મસ્જિદ, ચૌહાણ ફળી, વિગેરે જગ્યા એ વીજ લાઈન પર ઝાડ પડતાં રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. જે સ્થળ પર જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમની મદદથી ઝાડની ડાળીઓને કરવતથી કપાવીને વીજ વાયરો થી દુર કરવામાં આવ્યા હતા, અને ત્યાર બાદ રાબેતા મુજબ પાવર સપ્લાય ચાલુ કરવામાં આવ્યા હતા.

જેમાં ઘણી બધી જગ્યાએ કેબલ ખેચાઇ જવાથી શોર્ટ સર્કિટના બનાવો પણ ધ્યાને આવેલા હતા, પરંતુ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ તથા એચ.ટી. પેટા વિભાગના ટેકનીકલ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આ કામગીરી યુદ્ધનાના ધોરણે પાર પાડી અને લોકોને ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો હતો.