ગાંજો સુરતથી આયાત થયો હોવાથી સુરતના શખ્સને ફરારી જાહેર કરી તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં બે બાઈકમાં આવેલા ઉપલેટાના ત્રણ શખ્સોને નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે જામજોધપુર પોલીસે ઝડપી લીધા છે. એક શખ્સ ગાંજો સપ્લાય કરવા આવ્યો હતો, જ્યારે બે શખ્સો ગાંજાની ખરીદી કરવા આવ્યા હતા. ગાંજાનો જથ્થો સુરત થી આયાત થયો હોવાથી તપાસનો દોર સુરત તરફ લંબાવ્યો છે.
મળતી વિગત મુજબ જામજોધપુરના પીઆઈ સી.એચ. પનારા તેમજ સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા અને ભગીરથ સિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં વાડી વિસ્તારમાં મૂળ ઉપલેટાનો બટુકભાઈ બચુભાઈ વિંઝુડા નામનો શખ્સ ગાંજાનું વેચાણ કરવા માટે આવી રહ્યો છે, અને બે શખ્સો તે ગાંજાની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. જે બાતમીના આધારે અમરાપર ગામમાં વોચ ગોઠવી હતી.
દરમિયાન બટુકભાઈ બચુભાઈ વિંઝુડા નામનો શખ્સ પોતાના બાઈક પર અમરાપર ગામે આવ્યો હતો. જે દરમિયાન ઉપલેટા ગામના જ વતની એવા રજાક હુસેન કુરેશી અને જાવેદ સીદીક ખાટકી કે જેઓ પણ એક બાઈક લઈને ત્યાં આવ્યા હતા, અને નશીલા પદાર્થની લેતી દેતી કરતાં પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.
જેઓ પાસેથી એક કિલો અને ૯૬૦ ગ્રામ ગાંજો કે જેની કુલ કિંમત ૧૯,૯૬૦ જેટલી થવા જાય છે, ઉપરાંત ગાંજાના વેચાણની ૨૩ હજારની રોકડ રકમ અને બે મોબાઈલ ફોન તથા બે મોટરસાયકલ વગેરે મળી આવ્યા હતા.
પોલીસે ૮૮,૪૬૦ની માલમતા કબજે કરી હતી, અને ત્રણેય સામે જામજોધપુર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.
આરોપી બટુક વિંઝુડાની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત ગાંજાનો જથ્થો સુરતના કિરીટભાઈ નામના શખ્સએ સપ્લાય કર્યો હોવાનું અને પોતે સુરતથી ગાંજો લઈ આવ્યો હોવાનું કબુલતાં પોલીસે સુરતના કિરીટભાઈ નામના શખ્સને ફરારી જાહેર કર્યો છે, અને આ પ્રકરણની આગળની તપાસ કાલાવડ ટાઉનના પોલીસી ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. જેણે તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.
0 Comments
Post a Comment