• જામનગરની પંચવટી કોલેજમાં માથાભારે વિધાર્થીએ ગુંડાગીરી આચરી, પોલીસમાં ફરિયાદ નોંધવાઈ
  • કોલેજ કેમ્પસમાં જ અન્ય બે વિદ્યાર્થીઓ અને પછી પ્રિન્સિપાલને પણ ગાળો આપી

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરની વી.એમ. મહેતા કોલેજ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (પંચવટી કોલેજ)માં એક વિદ્યાર્થીએ અન્ય બે વિદ્યાર્થીઓને લાકડી વડે માર માર્યો હતો તેમ જ વિદ્યાર્થીનીઓને ગાળો કાઢી હતી. આ બાબતે કોલેજના પ્રિન્સિપાલ વિદ્યાર્થીને સમજાવવા માટે જતા એ વિધાર્થીએ પ્રિન્સિપાલને પણ ગાળો આપી હતી. અને કોલેજ કેમ્પસમાં છરી સાથે હોબાળો મચાવતા પ્રિન્સિપાલ દ્વારા આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરની પંચવટી કોલેજમાં બી.એ.માં ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અર્જુનસિંહ મહેન્દ્રસિંહ વાઢેર નામના વિધાર્થીએ ગઈકાલે સવારે સાડા દશેક વાગ્યે કોલેજમાં બે વિદ્યાર્થીઓને લાકડી વડે માર માર્યો હતો જ્યારે અન્ય વિદ્યાર્થીનીઓને પણ ગાળો આપી હતી આથી કોલેજના પ્રીન્સીપાલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ પછી અર્જુનસિંહ વાઢેર ત્યાં જ કોલેજના દરવાજા પાસે હાજર હતો ત્યારે પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્રસિંહએ વિધાર્થીને સમજાવવા જતા તેઓને પણ ગાળાગાળી કરવામાં આવી હતી અને કોલેજ કેમ્પસમાં છરી સાથે સીન સપાટા નાખતા આખરે મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતી જ્યાં ખુદ પ્રિન્સિપાલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

કોલેજના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ આ વિધાર્થીને કોલેજમાંથી છૂટો કરી દેવામાં આવશે અને નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખિનીય છે કે આજથી જ કોલેજમાં ત્રીજા અને પાંચમા સેમના શિક્ષણનો પ્રારંભ થયો હતો.

 

.