પત્નીના ઘર ખર્ચના પૈસાની માંગણી સહિત વારંવારના ત્રાસના કારણે પતિએ અગ્નિ સ્નાન દ્વારા આપઘાત કર્યો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં ઉલટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ત્રાસથી પતિએ અગ્નિસ્તાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે મૃતક ના ભાઈએ ગુજરનાર ભાઈની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા અજય ભાવેશભાઈ સાપરીયા નામના ૩૪ વર્ષના યુવાને ગત ૧૬ મી તારીખે લાલપુર તાલુકાના નકટા પાવરીયા ગામના પાટીયા પાસે એક ટ્રેક્ટરમાંથી ડીઝલ કાઢી પોતાની કાયા પર ડીઝલ રેડી દીધું હતું, અને અગ્નિ સ્નાન કરી લીધું હતું.
જેથી તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ પછી લાલપુર પોલીસને જાણ કરાતાં લાલપુર ની પોલીસ ટુકડી સૌપ્રથમ જી.જી. હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં પહોંચી હતી, અને મામલતદારની રૂબરૂમાં તેનું નિવેદન લેવામાં આવ્યું હતું.
જે નિવેદનમાં પોતાની પત્ની પરિતાબેન કે જે ઘર ખર્ચના પૈસા ની માંગણી સહિત વારંવાર ત્રાસ ગુજારતી હતી, અને તેના ત્રાસથી કંટાળી જઇ પોતે આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તેવું જણાવ્યું હતું. ત્યારબાદ અજયનું અવસાન થઈ ગયું હતું.
લાલપુર પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટના બાદ ગઈકાલે મૃતક અજયના મોટાભાઈ સંજયભાઈ ભાવેશભાઈ સાપરીયા, કે જેઓ જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહે છે, અને મૂળ ગજણા ગામના વતની છે, તેઓએ લાલપુર પોલીસ મથકમાં જઈ પોતાના ભાઈને ત્રાસ ગુજારી મરી જવા માટે મજબૂર કરવા અંગે ભાઈના પત્ની પરિતાબેન અજયભાઈ સાપરિયા સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને લાલપુરના પી.એસ.આઇ. એન. એમ. જાડેજા તથા સ્ટાફ ના લાખાભાઈ સહિતની ટીમેં પરિતાબેન સાપરીયા સામે આઈ.પી.સી.કલમ ૩૦૬ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપી મહિલા હાલ રાજકોટમાં પોતાના બે સંતાનો સાથે ભાગી છૂટી હોવાથી પોલીસ દ્વારા તપાસનો દોર રાજકોટ સુધી લંબાવાયો છે.
0 Comments
Post a Comment