મહાનગરપાલિકા સંચાલિત બંને સેલ્ટર હોમ તેમજ અલગ અલગ શાળાઓમાં આશરે અપાયો: ભોજનની પણ વ્યવસ્થા કરાઇ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગઈકાલે ૨૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરીને જુદા જુદા આશ્રય સ્થાનોમાં તમામ લોકોને મૂકી દઈ તેઓ માટેની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જામનગરના અંધઆશ્રમ આવાસમાં ૧૪૦૪ મકાનો આવેલા છે, તે અતિ જર્જરીત હોવાથી તમામ રહેવાસીઓને ખસેડવા માટેની કામગીરી હાથ ધરી હતી.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા લગભગ ૧૫૦૦ જેટલા રહેવાસીઓને આવાસમાંથી ખસેડી લેવામાં આવ્યા છે, અને આસપાસના વિસ્તારમાં આવેલી જુદી જુદી ત્રણ સ્કૂલોમાં તમામને આશ્રય અપાયો છે. જે તમામની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. હાપા સ્થિત જલારામ મંદિરે થી તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી તમામ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે સમગ્ર વ્યવસ્થા મહાનગરપાલિકાની ટીમો દ્વારા જ થઈ રહી છે.

આ ઉપરાંત સત્યમ કોલોની નજીક અંડર બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટી કે જેમાં પણ ૨૨૫ લોકો વસવાટ કરતા હતા, તે તમામને ઝુપડપટ્ટી માંથી ખસેડીને નજીકની શાળામાં આશરે અપાયો છે, અને તે તમામની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જામનગર શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર, બાલા હનુમાન મંદિર, દાંડિયા હનુમાન મંદિર સહિત વિસ્તારમાં ભિક્ષુકો પડ્યા રહે છે, તેવા તમામ ભિક્ષુકોને જામનગર મહાનગરપાલિકાની સિટી બસમાં બેસાડીને હાપા વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમ તેમજ બેડેશ્વર નવા ઓવર બ્રિજ પાસે નવા બનાવેલા સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે, અને આવા કુલ ૪૦૦ નાગરિકોને આશરે અપાયો છે. જે તમામ માટે પણ  જલારામ મંદિર હાપા તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી બે દિવસ ૧૪ અને ૧૫ મી જુન સુધી તમામને આશ્રય અપાશે.