પોલીસને પડકાર આપતા બનાવથી લોકોમાં ફફડાટ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા

ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા એક મહિલાને રસ્તો પૂછવાના બહાને અટકાવી એક અજાણ્યા શખ્સ દ્વારા આ મહિલા ઉપર હુમલો કરી અને કાતર જેવા હથિયાર વડે કાનમાં પહેરેલા દાગીનાની લૂંટ કર્યાનો ચિંતાજનક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર દ્વારકા પંથકમાં ચર્ચાસ્પદ એવા આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના ભીમરાણા ગામે આવેલી જુના સરકારી અનાજની દુકાન પાસે રહેતા સોમીબેન આશાભાઈ રૂપાભાઈ શિરુકા નામના 55 વર્ષના આધેડ મહિલા ગઈકાલે ગુરુવારે નજીક આવેલી સેન્ટ મેરી સ્કૂલથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક પડતર જમીનના કાચા માર્ગે તેઓ ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન આશરે 25 થી 30 વર્ષની ઉંમરનો એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને "મોગલ ધામ જવાનો રસ્તો કયો છે?"- તેમ પૂછતા સોમીબેને તેમને રસ્તો બતાવી અને પોતાની પાછળ પાછળ આવવા જણાવ્યું હતું.

આ પછી પરિસ્થિતિ જોઈને આરોપી દ્વારા રસ્તામાં આવેલી બાવળની જાળી પાસે પહોંચતા આ મહિલાને ધક્કો મારી જમીન પર પછાડી દીધા હતા. ત્યાર બાદ આરોપી શખ્સે તેણીની પીઠ પર ચડી જઈ અને પોતાના હાથમાં રહેલી ખાતર જેવા તીક્ષ્ણ હથિયાર વડે આ મહિલાના બંને કાન કાપી અને તેણીએ કાનમાં પહેરેલા આશરે રૂ. 20,000 ની કિંમતના અડધો તોલાનું વચન ધરાવતા સોનાના બે ઠોળીયા તથા રૂપિયા 4,000 ની કિંમતની સોનાની ચાર નંગ કડી તેમજ ખોટી ધાતુના બે કબૂકલાની લૂંટ કરી અને નાસી છૂટ્યો હતો.

આમ, મહિલાને ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપી શખ્સ કુલ રૂ. 24,100ના દાગીનાની લૂંટ ચલાવી અને નાસી છૂટવામાં સફળ થયો હતો. લોહી-લોહાણ હાલતમાં આ મહિલાને ઇમરજન્સી 108 વાન મારફતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ બનતા સ્થાનિક પોલીસ દ્વારા આરોપી શખ્સને ઝડપી લેવા માટે આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે સોમીબેન શિરુકાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 397 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.





.