• કાટમાળ હેઠળ દબાયેલા આઠ વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા: જેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મૃત્યુથી ભારે ગમગીની: અન્ય પાંચ સારવાર હેઠળ

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા એમ ૫૯ નંબરના બિલ્ડીંગનો ત્રણ માળનો અડધો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ ગયો હતો, અને ભારે અફડા તફડી સર્જાઇ હતી. જે બિલ્ડીંગના કાટમાળમાં ફસાયેલી તમામ આઠ વ્યક્તિઓને બહાર કાઢવા માટે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને તમામને બહાર કાઢી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જે પૈકી એક જ પરિવારના ત્રણ વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ નીપજયા છે, જ્યારે બાકીના અન્ય પાંચ સારવાર હેઠળ છે.
આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી, અને મહાનગરપાલિકાનું તંત્ર, પોલીસ વિભાગ, રાજકીય આગેવાનો સહિતનો તમામ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો.
આ ગોઝારી દુર્ઘટનાની વિગતો એવી છે કે જામનગરમાં સાધના કોલોની બ્લોક નંબર એમ ૫૯ નામનું બિલ્ડીંગ કે જેમાં વચ્ચેના ભાગમાં સીડી અને બંને તરફ ત્રણ માળના છ છ મળી કુલ ૧૨ ફલેટ આવેલા છે, જે પૈકીનો એક વિભાગનો છ ફ્લેટ સાથેનો હિસ્સો સાંજે છ વાગ્યાના સમયે ધસી પડ્યો હતો, અને કાટમાળમાં ફેરવાયો હતો. જે દુર્ઘટનાની જાણ થતા ભારે દોડધામ થઈ ગઈ હતી.
સૌપ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, એસ્ટેટ શાખાની ટુકડી, ૧૦૮ ની ટીમ તેમજ પોલીસ વિભાગ વગેરે દોડતો થયો હતો, અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી સમયે સ્થાનિક નાગરિકો પણ મદદમાં જોડાયા હતા. ઉપરાંત જામનગર શહેર જિલ્લાના તમામ રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને ચાર જેસીબી મંગાવી તાત્કાલિક ધોરણે કાટમાળને ખસેડવાની અને અંદર ફસાયેલી વ્યક્તિઓને બચાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો હતો.
પ્રથમ ૧૦ મિનિટના સમયગાળા દરમિયાન ચાર વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા હતા, જેઓને ૧૦૮ નંબર ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હતી, અને જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ અન્ય ચાર વ્યક્તિઓ કાટમાળમાં ફસાયેલી હોવાથી અને તે વ્યક્તિઓ દ્વારા મદદ માટેની બુમાબુમ કરાતી હોવાથી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કુનેહતા પૂર્વક કાટમાળ ખસેડવાની કામગીરી હાથ કરી હતી, અને એક પછી એક કરીને અન્ય ચાર વ્યક્તિને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવી હતી. જેઓને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા પછી તમામને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે તેમના પરિવારની અન્ય ૧ વ્યક્તિ સહિત હજુ પાંચ વ્યક્તિ સારવાર હેઠળ છે.
કાટમાળ હેઠળ એક જ પરિવારના ચાર વ્યક્તિ દબાયા હતા જેમાં મિતલબેન જયપાલ ભાઈ સાદીયા (૩૫ વર્ષ) તેના પતિ જયપાલ ભાઈ રાજુભાઈ સાદીયા (૩૬) તેમજ તેમના પુત્ર શિવરાજ જયરાજભાઈ સાદીયા (ઉંમર વર્ષ ચાર) કે જે ત્રણેયના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે તેના પરિવારના અન્ય ૧ વ્યક્તિ હિતાંશી જયપાલભાઈ સાદીયા (ચાર વર્ષ) નો બચાવ થયો છે, અને હાલ સારવાર હેઠળ છે.
આ ઉપરાંત અન્ય ફ્લેટમાં રહેતા કંચનબેન મનસુખભાઈ જોઈસર (ઉંમર વર્ષ૭૦) તેમજ પારૂલબેન અમિતભાઈ જોઈસર (ઉંમર વર્ષ ૪૦) કે જે બંનેને પણ સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા અને તેઓ ને પ્રાથમિક સારવાર અપાઇ છે આ ઉપરાંત દેવીબેન નામના પચાસ વર્ષ ના મહિલા પણ બહાર નીકળી ગયા છે, અને તેમને પણ સારવાર અપાઇ છે. વહીવટી તંત્ર દ્વારા સાડા નવ વાગ્યા સુધી ઓપરેશન ચાલુ રખાયું હતું. સમગ્ર બિલ્ડીંગ નો કાટ માળ ખસેડી લીધા પછી આખરે રેસ્ક્યુ કામગીરી બંધ કરવાની કમિશનર ડી.એન. મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.


સાધના કોલોનીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓને ચાર લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગઈકાલે ગોજારી દુર્ઘટના સર્જાઇ હતી, અને એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જયારે અન્ય પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. આ દુખ:દ સમાચારને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોને ચાર ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય, તેમજ ઈજાગ્રસ્તો ને પચાસ હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓએ બે ઇજાગ્રસ્ત બાળકીઓ, કે જે જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેઓની તબિયતની પુચ્છા કરી હતી, તેમજ તેઓને પણ પોતે અંગત રીતે ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.


સાધના કોલોનીમાં જે બિલ્ડીંગ ઘસી પડ્યું તે બિલ્ડીંગ માં બે પરિવાર રહેતો હતો.
જામનગરની સાધના કોલોની માં આવેલો એમ ૫૯ નંબરના બિલ્ડીંગ માં ત્રણ માળ સાથેનો હિસ્સો ધરાસાઈ થયો હતો. જેમાં હાલ બે પરિવાર વસવાટ કરતા હતા.
પરિવારની માહિતી
ગ્રાઉન્ડ ફ્લોર પર
 1. કંચનબેન મનસુખભાઇ જોઈશર
 2. પારૂલબેન અમિતભાઈ જોઇશર
 3. અમિતભાઈ જોઇશર
 4. નિરાલી જોઈશર
 5. માનવ જોઈશર
બનાવ સમયે કંચનબેન અને પારૂલબેન ઘેર હોય બાકીના સભ્યો બહાર હતા.જે બન્ને મહિલાઓ સારવાર હેઠળ છે.
પ્રથમ માળે
 1. જયપાલ રાજુભાઈ સાદિયા
 2. મિત્તલ જયપાલ સાદીયા
 3. દેવાંશી જયપાલ સાદિયા
 4. હિતાંશી જયપાલ સાદિયા
 5. શિવમ જયપાલ સાદિયા
 6. રાજુભાઈ ઘેલાભાઈ સાદિયા
 7. દેવિબેન રાજુભાઈ સાદિયા
 8. ભાવેશ રાજુભાઈ સાદિયા
એમ કુલ ૦૮ સભ્યો, જેમાંથી ભાવેશભાઈ અને હીતાંશી ઘેર ન હતા. બાકીના તમામ અસરગ્રસ્ત તરીકે જી. જી. હોસ્પિટલ જામનગર ખાતે સારવારાર્થે લાવવામાં આવ્યા હતા. જેમાંથી
 1. મિત્તલબેન જયપાલ સાદીયા (૩૫ વર્ષ)
 2. જયપાલ રાજુભાઈ સાદિયા (૩૬ વર્ષ)
 3. શિવમ જયપાલ સાદિયા (૪ વર્ષ)
એમ ૩ વ્યક્તિને મૃત્યુ પામેલ જાહેર કરાયા છે. બાકીના તમામ દર્દીઓ સારવારાર્થે જી. જી. સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


આપાતકાલીન સ્થિતિમાં સાંસદ ખુદ ઉદઘોષક- વ્યવસ્થાપક બન્યા
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હતી, અને સમીસાંજે એક બિલ્ડીંગ એકાએક ધરાશાઇ થઈ ગયું હતું, જેમાં આઠથી વધુ લોકો દબાયા હતા અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થયું હતું. જેને કન્ટ્રોલ કરવા માટે ખુદ સાંસદ પૂનમબેન માડમ માઈક લઈને મદદમાં જોડાયા હતા, અને વ્યવસ્થા વિભાગ સંભાળ્યો હતો. ઉપરાંત લોકોને દૂર ખસી જવા માટેની સૂચના આપીને વિનંતી  કરી હતી. ઉપરાંત આસપાસના વિસ્તારના અન્ય બિલ્ડીંગો આવેલા છે, જે બિલ્ડીંગની અગાશી પર અથવાતો બાલ્કાની સંખ્યાબંધ લોકો ઉભા રહી ગયા હતા. જે તમામને પણ સાંસદેને આગ્રહ ભરી વિનંતી કરીને નીચે ઉતાર્યા હતા.


જામનગર જિલ્લાના સાંસદ- મેયર- ધારાસભ્ય- કોર્પોરેટરો સહિતના તમામ અગ્રણીઓ સ્થળ પર ખડે પગે રહ્યા
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં સાંજના સમયે બિલ્ડીંગ પડી જવાની દુર્ઘટના સર્જાયા પછી જામનગરના રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કામગીરીમાં પૂરતી મદદ કરી હતી. જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને રીવાબા જાડેજા, નગરના મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, ઉપરાંત સ્થાનિક વિસ્તારના કોર્પોરેટરો, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, અન્ય આગેવાનો શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલ કગથરા, ભાજપની અન્ય ટીમ વગેરે સ્થળ પર હાજર રહ્યા હતા, અને રેસ્ક્યુ કામગીરી કામગીરીમાં મદદ કરી હતી.


સમગ્ર સાધના કોલોની વિસ્તાર નો વીજ પુરવઠો બંધ રાખ્યો: સ્થાનિક વિસ્તારના નાગરિકો શોક મગ્ન: કોઈનો ચૂલો પેટીયો નહીં
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બિલ્ડીંગ પડવાની ગોઝારી દુર્ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. વીજતંત્ર દ્વારા વધુ કોઈ વીજ અકસ્માત ન થાય, તેની તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તાર નો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેથી વહીવટી તંત્ર દ્વારા જનરેટર મુકાવીને હેલોજન લાઈટ ચાલુ કરી તેની મદદથી કાટમાળ ને ખસેડવાની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી. સાધના કોલોની વિસ્તારમાં ગોઝારી દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સમગ્ર વિસ્તાર શોક મગ્ન બની ગયો હતો, અને સમગ્ર વિસ્તારમાં કોઈના ઘરે ચૂલો પણ પેટયો ન હતો.

જામનગરના મ્યુનિ. કમિશનર- એસપી- પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો: વિસ્તારને કોર્ડન કર્યો
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક બિલ્ડિંગ ધારાસાઈ થયા પછી સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાને લઈને કમિશનર ડી.એન. મોદી  પહોંચી ગયા હતા જેમની સાથે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તથા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ તેમજ એસ્ટેટ શાખાનો સમગ્ર સ્ટાફ પહોંચી ગયો હતો સાથો સાથ ફાયર બ્રિગેડની મોટી ટીમ પણ હાજર રહી હતી. જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી.ડી.શાહ અને તેમની ટીમ, શહેર વિભાગના મામલતદાર તથા તેમની ટીમ પણ ઘટના પહોંચી ગઈ હતી. જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને જામનગરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સમગ્ર સ્ટાફ ઉપરાંત એલસીબી અને એસઓજી શાખાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી હતી, અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઉપરાંત વધુ જાન હાની ના થાય તેની સંપૂર્ણપણે તકેદારી રાખી હતી.
.