• રોજી બંદર ખાતે બ્રાહ્મણોને બોલાવીને ખાસ પૂજા કરી : આફત ટળે એવી પ્રાર્થના કરી

જામનગર

અરબી સમુદ્રમાં કેન્દ્રીત થયેલ બિપરજોય વાવાઝોડું કચ્છ પર ત્રાટકીને સમગ્ર ગુજરાતને ધમરોળશે એવી આગાહીના પગલે કેન્દ્ર સરકારના માર્ગદર્શનથી ગુજરાત સરકારની સિધી દેખરેખ હેઠળ વહિવટી તંત્ર સહિત તમામે તમામ તંત્ર યુઘ્ધના ધોરણે કામે લાગ્યા છે, આ આફત ટળી જાય, જાનમાલને નુકશાની ન થાય એ માટે સૌ કોઇ પ્રયત્ન કરી રહયા છે ત્યારે આજે વાવાઝોડાની આફત ટળી જાય, દરીયાદેવ શાંત થઇ જાય તેના માટે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રોજી બંદર ખાતે દરીયાદેવની ખાસ પૂજા કરવામાં આવી હતી અને ચક્રાવાતની આફત ટળી જાય એ માટે પ્રાર્થના કરાઇ હતી.

પત્રકારો સાથેની વાતચીતમાં હકુભા જાડેજાએ કહયું છે કે, વાવાઝોડાની સંભવીત આફતને પહોંચી વળવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહ સતત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સંપર્કમાં છે અને જર જણાયે તમામ મદદ કેન્દ્ર તરફથી આપવા માટે એમણે આદેશ આપી દીધા છે.

બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીએ વાવાઝોડાની સંભવીત આફતના અનુસંધાને અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં મંત્રીઓને જવાબદારી આપી દીધી છે, તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો એમના ક્ષેત્રમાં યુઘ્ધના ધોરણે કામે લાગ્યા છે, ગુજરાત સરકાર ખુબ ચિંતીત છે, આ સંજોગોમાં પરિસ્થીતી સામાન્ય બને એ માટે સૌ કોઇ પ્રાર્થના કરી રહયા છે.

વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સેનાની ત્રણેય પાંખ, કોસ્ટગાર્ડ અને લગત તમામ તંત્ર દ્વારા ખુબ જ આયોજનબઘ્ધ કામગીરી કરવામાં આવી રહી છે, લોકોના જાનમાલની ઓછામાં ઓછી નુકશાની માટે અગમચેતીના પગલા લેવામાં તંત્રએ કોઇ કચાસ રાખી નથી, બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીના તમામ ચુંટાયેલા પ્રતિનિધીઓ, અગ્રણીઓ, કાર્યકરોને યુઘ્ધના ધોરણે કામે લાગી જવાનો આદેશ આપ્યો છે જેના ભાગપે પાર્ટીના તમામ લોકો કામે લાગ્યા છે.

ગુજરાત અને દેશ પરથી વાવાઝોડાની આફત ટળે, દરીયાદેવ શાંત થાય એ માટે આજે રોજી બંદર ખાતે લોકોની સુખાકારી ખાતર ખાસ પૂજા કરવામાં આવી છે અને એવી પ્રાર્થના કરાઇ છે કે આ આફત ટળી જાય.