જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરની ખાનગી શાળાની એક શિક્ષિકાએ ગયા મહિને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેણીની લખાયેલી મનાતી સ્યુસાઈડ નોટ પરથી ત્રણ શખ્સ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો હતો. જેમાંથી એક આરોપીને પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ જામનગરની પંચવટી સોસાયટીમાં આવેલા શિતલ એપાર્ટમેન્ટમાં રહેતા અને એક ખાનગી શાળામાં શિક્ષિકાની ફરજ બજાવતા નુરજહાંબેન ઈબ્રાહીમભાઈ હુંદડા નામના યુવતીએ ગઈ તા.૧૭ ની રાત્રે પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થયા પછી દોડી ગયેલી પોલીસે સ્થળ પરથી સ્યુસાઈડ નોટ કબજે કરી હતી.

આ શિક્ષિકાના સિક્કા ગામમાં રહેતા ભાઈ ઈશાક હુંદડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અંગ્રેજીમાં લખાયેલી સ્યુસાઈડ નોટમાં શિક્ષિકાએ પોતાને બેડીના અફરોઝ તૈયબ ચમડીયા, રઝાક સાયચા, અખ્તર ચમડીયા પરેશાન કરતા હોવાનું લખ્યું હતું. તેના પરથી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ માટે કરેલી તજવીજમાં અખ્તર અનવર ચમડીયા નામનો શખ્સ ઝડપાઈ ગયો છે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાતા તેને બે દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે. બાકીના આરોપી રઝાક તથા અફરોઝની શોધખોળ પોલીસ દ્વારા ચલાવાઈ  રહી છે. 









.