- વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરશો અને શું ન કરશો...
ગુજરાતના દરિયા કિનારે તા. ૧૪ અને ૧૫ જૂન ૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની યાદીમાં જણાવ્યાનુસાર વાવાઝોડા પહેલાં નાગરિકોએ આગાહી માટે રેડીયો, ટી.વી. સમાચારો અને જાહેરાતોનાં સંપર્કમાં રહેવું, માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લાંગરવી, દરિયાકાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું, ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું તેમજ ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડીયો જેવી તાત્કાલિક જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી, જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો, વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા, જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવું અને પ્રાણીઓને સલામત સ્થળે લઇ જવા.
વાવાઝોડા દરમિયાન નાગરિકોએ પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું, ઘરની બહાર નીકળવું નહીં, વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, ઘરનાં તમામ બારી બારણાં બંધ કરી દેવા, ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
આ ઉપરાંત વાવાઝોડા પછી નાગરિકોએ તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો, ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.
ધવલ શાહ
0 Comments
Post a Comment