વિજ તંત્ર દ્વારા ૧૨ ગામોમાં વિજ પુરવઠો ચાલુ કરી દેવાયો: હજુ પાંચ ગામોમાં સમારકામ ચાલુ

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડાની અસર અત્યારથી જ જોવા મળી રહી છે, અને ખાસ કરીને જામનગર તાલુકા તેમજ લાલપુર પંથકમાં શનિવારે તોફાની વંટોળિયાની અસર જોવા મળી હતી, અને ૧૭ ગામોમાં કુલ ૭૫ જેટલા વિજ થાંભલાઓ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો, અને યુદ્ધના ધોરણે મરામતની કામગીરીને લઈને ૧૨ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવી દેવાયો છે, જ્યારે હજુ પાંચ ગામોમાં વીજ લાઈન ની સમાર કામની કાર્યવાહી ચાલી રહી છે.

જામનગર તાલુકા અને લાલપુર તાલુકાના શાપર, કાનાશિકારી, ડેરા શિકારી, સેતાલુસ, નવાગામ, બાલંભડી, ગાડુકા, દોઢીયા, જીવાપર સહિતના સત્તર ગામોમાં તોફાની વંટોળીયા સાથેના પવનના કારણે અંદાજે ૭૫ જેટલા વિજ પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા, અને ૧૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

વીજતંત્રની અલગ અલગ ટુકડીઓના ૪૦ થી વધુ કર્મચારીઓ વીજ લાઈન સમાર કામ માટે રાત દિવસના કાર્યમાં જોડાયા હતા, અને સાંજ સુધીમાં ૧૨ જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવી દીધો હતો, અને વીજપોલ તથા વિજ વાયરો ફરીથી ઊભા કરી દેવાયા છે.

હજુ પણ બાલંભડી ગાડુકા દોઢીયા અને જીવાપર સહિત પાંચ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બનાવવા માટે નવા વીજપોલ ઊભા કરીને વિજ લાઇન જોડવાની કામગીરી ચાલી રહી છે, અને ગઈકાલે પણ ૪૦ થી વધુ કર્મચારીઓ દિવસ રાત એક કરીને સમાર કામની કામગીરી હાથ ધરી રહ્યા છે. મોડી રાત્રી સુધીમાં તે પણ પૂર્વવત્ બનાવી લેવાય તેમ જાણવા મળી રહ્યું છે.