જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસના અનુસંધાને જુમ્મા મસ્જિદ પ્રાથમિક શાળા ખાતે હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયાના પરવાનેદારો, રાજકીય આગેવાનો, જામનગર મહાનગપાલિકાના નગરસેવકો, વેપારીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુસ્લિમ ધર્મનો તાજીયા-મહોરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે તકેદારી રાખવા અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ તાજીયા-મહોરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. નિકુંજસિંહ ચાવડા તથા ડી-સ્ટાફના પીએસઆઈ ભગીરથસિંહ વાળા દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ બસીરભાઇ મલેકની યાદીમાં જણાવાયું છે.