જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર-જિલ્લામાં મેઘસવારી સતત ચાલુ રહેતા સમગ્ર પંથક પાણી પાણી થઈ જવા પામ્યું હતું. જો કે રવિવાર સાંજથી મેઘરાજાની રફતાર ધીમી પડી છે. ગઈકાલે ધ્રોલમાં ૨૨ મીમી અને જોડિયામાં ૨૦ મીમી વરસાદ રહ્યો છે. એ સિવાય માત્ર છાંટા-ઝાપટા જ વરસ્યા હતાં. પાણીની સમસ્યાએ વિદાઈ લીધી છે. ગઈકાલે તો વાતાવરણમાં ઉઘાડ પણ જોવા મળતા લોકો હવે રાહત અનુભવી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જ જામનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. સતત અને અનરાધાર સ્વરૂપે મેઘ મહેર થતાં અનેક ડેમો છલકાઈ ચૂક્યા છે, તો કેટલાક ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. જો કે રવિવારે સાંજથી મેઘરાજાએ વિરામ લેતાં લોકોએ રાહત અનુભવી હતી. ગઈકાલે સાંજે ૬ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં છ મીમી, જોડિયામાં ૨૦ મીમી, ધ્રોલમાં ૨૨ મીમી, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં માત્ર હળવું ઝાપટું વરસ્યું હતું
આ ઉપરાંત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે સારો વરસાદ થયો હતો, જેમાં વસઈમાં ૪૬ મીમી, લાખાબાવળમાં ૬૪ મીમી, મોટી બાણુંગારમાં ૬૦ મીમી, ફલ્લામાં ૩૮, જામવણંથલી રપ, મોટી ભલસાર ૮૦, અલિયાબાડા ૪૦, દરેડમાં ૧૪૦ મીમી, બાલંભા પ૦, ખરેડીમાં ૩૦, મોટા વડાલા ૧૪, ભલસાણ બેરાજા પપ, નવાગામ ૪પ, મોટા પાંચ દેવડા ૪ર, સમાણા ર૩, વાંસજાળિયા ર૦, જામવાડી ૧૦, ધુનડા પ૮, ધ્રાફા ર૦, પીપરટોડા ૧૩, પડાણા ૧૦૩, ભણગોર ૬પ, મોટા ખડબા પ૭, મોડપર ૩૯ અને હરિપર ૧૦પ મીમી વરસાદ થયો હતો.
રવિવારે રંગમતીના પાટિયા ખોલવામાં આવતા તેના પાણી જામનગર સુધી પહોંચ્યા હતાં અને વ્હોરાના હજીરા પાસે પુલને લગોલગ પાણી ભરાયું હતું, તો રણજીતસાગર માર્ગ પરની તળવાની કેનાલના પાટિયા ખોલવામાં આવતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતાં. ગઈકાલે તો વાતાવરણમં સવારે વરાપ નીકળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જો કે જામનગરમાં હજુ વરસાદી માહોલ જળવાયો છે.
0 Comments
Post a Comment