જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં કોઈ પણ જાતની મેડિકલની માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબોને પોલીસની એસઓજી શાખાએ ઝડપી પાડ્યા છે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજીના મહિલા પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રમેશભાઈ ચાવડા, દિનેશભાઈ સાગઠીયા, સંદીપભાઈ ચુડાસમા અને સોયબભાઈ મકવાને બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં માન્ય મેડિકલની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે.
આથી પોલીસ સ્ટાફે ગઈકાલે લાલપુરના મેઘપરમાં દવાખાનું ચલાવતા મૂળ પશ્ચિમ બંગાળના અપૂર્વા અંગશુપતી હલદાસના દવાખાનામાં દરોડો પડ્યો હતો. અહી તપાસણી દરમ્યાન તેની પાસે કોઈ તબીબી ડિગ્રી નહી હોવાનું જણાતા અપૂર્વાં હલદાસની પોલીસે અટકાયત કરી તેના દવાખાનામાંથી સ્ટેથસ્કોપ, બી.પી માપવાનું મશીન દવા વગેરે મળી કુલ રૂ.૨૫૬૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ તથા આઇપીસી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સ ધો.૧૨ સુધીનો જ અભ્યાસ ધરાવે છે.
આ ઉપરાંત બીજો દરોડો પણ મેઘપર ગામમાં જ પાડવામાં આવ્યો હતો અને કોઈપણ જાતની માન્ય ડીગ્રી વગર તબીબી પ્રેકટિશ કરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મૂળ પશ્ચિમ બંગાળનાં નંદુલાલ નીરમલચંદ્રા વિશ્વાસને ઝડપી પાડયો હતો અને તેના દવાખાનામાંથી સ્ટેથસ્કોપ, બી.પી માપવાનું મશીન દવા વગેરે મળી કુલ રૂ.૨૮૨૬ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ બંને ઘોડા ડોક્ટર સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ તથા આઈપીસી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સ પણ ધો. ૧૨ સુધીનો જ અભ્યાસ ધરાવે છે.
0 Comments
Post a Comment