ખંભાળિયાનો બાળક પૂર જોવા જતા તણાયો: મૃત્યુ



જામ ખંભાળિયા, તા. ૨૫-૦૭-૨૦૨૩ : ખંભાળિયા તાલુકાના આંબરડી ગામનો દસ વર્ષનો બાળક રવિવારે પાણી જોવા જતા ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યો હતો.
        આ કરુણ બનાવની પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે રહેતા સોમાભાઈ સામતભાઈ જોગલ (ઉ.વ. 38) નો દસ વર્ષનો પુત્ર ભાવેશ રવિવારે બપોરના સમયે આંબરડી ગામના બેઠા પુલના ગરનાળા (નદીમાં) આવેલા પૂરને જોવા ગયો હતો, ત્યારે અકસ્માતે તે પાણીમાં તણાઈ ગયો હતો. જેથી તેની વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ લાંબી જહેમત બાદ ભાવેશનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.
       ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ સુરતના મહુવા ખાતેના રહીશ હેતલકુમાર મનસુખભાઈ પટેલ નામના 26 વર્ષના યુવાને ગત તારીખ 23મી ના રોજ રાત્રિના સમયે રેવતી નામની બોટમાં કોઈ અકળ કારણોસર કેબિનમાં આવેલા પાઇપમાં દોરડા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ મહુવાના રહીશ સુરેશભાઈ રામાભાઈ ટંડેલ (ઉ.વ. 61) એ ઓખા મરીન પોલીસને કરી છે.
       નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહીશ એવા આકાશ ઈશ્વરભાઈ હળપતિ નામના 22 વર્ષના યુવાનને ગઈકાલે તાણ-આંચકી આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ ઓખા પોલીસને કરવામાં આવી છે.
      ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં ભીખુભાઈ ઘનશ્યામભાઈ હળપતિ (ઉ.વ. 35, રહે. મૂળ નવસારી) ને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.