• જામનગર,પોરબંદર અને દ્વારકા સહીત દુર – દુરથી પ્રવાસીઓ બરડામાં આવી રહ્યા છે.


જામનગર મોર્નિંગ – જામનગર : ગુજરાતીઓના લોહીમાં વેપાર છે એટલુ જ હરવા-ફરવાનું છે. પહાડીઓ અને હિલ સ્ટેશનને માણવા માટે ગુજરાતીઓનો કાશ્મીર, હિમાચલ તેમજ ગુજરાતના સાપુતારા, માઉન્ટ આબુ અને જુનાગઢ તરફ ઘસારો રહેતો હોય તેમ વીતેલા થોડા સમય થી ખાસ કરીને ૫-૭ વર્ષથી હવે બરડા ડુંગરમાં પણ વિપુલ પ્રમાણમાં પ્રવાસીઓ આવી રહ્યા છે.




પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર આ ત્રણ જીલ્લાની ભૌગલીક જમીન પર પથરાયેલ વિશાળ બરડા ડુંગરમાં ઝરણાઓ, ટેકરીઓ અને હરિયાળી પ્રવાસી મહેમાનોના મન મોહી લીએ છે. બરડા ડુંગરમાં ફોદાળા, ગુલાબસાગર, ખંભાળા, સત સાગર સહીત અનેક ઐતિહાસિક રાજાશાહી વખતના ડેમ અને તળાવો આવેલ છે જે આજે પણ નજીકના ગામો અને શહેરોને બારે માસ પીવાનું પાણી પૂરું પાડે છે. સોન કંસારી, નવલખો , મોડપરનો કિલ્લો જેવા ૮મી સદીથી લઈને ૧૨મી સદી સુધીના અનેક ઐતિહાસિક કિલ્લા, મહેલ અને મંદિરો આવેલ છે. બરડામાં ઈતિહાસ, હિલ સ્ટેશન અને વિવિધ વનસ્પતિનો ત્રિવેણી સંગમ આવેલ છે જેમાં લોકો હિલ સ્ટેશનને માણવા તો ઈતિહાસ સમજવા અને કોઈ વનસ્પતિના ઉપયોગ અને સંસોધન માટે પણ લોકો આવી રહ્યા છે. દેશના ટોપ લેવલની અનેક આયુર્વેદિક સંસ્થાઓ અહી બરડામાં વનસ્પતિના સંસોધન માટે કેમ્પ લગાવે છે.

બરડા ડુંગરમાં અલગ અલગ ઘાટની ટેકરીઓ માનવ પગ કેડીઓ નાના – નાના તળાવો આ ટેકરીઓ અને તળાવ કાઠે વસતા આદિવાસી માલધારી પરિવારો એમાય વર્ષાઋતુની સિઝનમાં લીલી હરિયાળીથી મઢાઈ જતો બરડો અને એમાં પોતાના ગાય – ભેંશ સહિતના પશુ લઈને નીકળતા માલધારી પરિવારો, બરડા ડુંગરના વન્ય પ્રાણી અભયારણ્યના હરણ, નીલ – ગાય સહિતના અનેક પ્રાણીઓ આ બધું જ જોવા માણવા અને મહેસુસ કરવા માટે બરડા ડુંગરમાં મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે.