જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા એક શ્રમિક દંપતી પર ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો. જેમાં પોલીસે હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ  કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા ખેડૂત કમલ ઉર્ફે કમલેશ જામસિંગભાઈ વાસ્કલીયા નામના ૩૫ વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની સંતુરબાઈ ઉપર પ્રાણ ઘાતક હુમલો કરી ધારીયા વડે એક હાથમાં પોંચો કાપી નાખવા અંગે અને બીજા હાથની પણ આંગળીઓ કાપી નાખવા અંગે ગત તાં. ૭/૮/૨૩ના અજાણ્યા શખ્સો સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પોતે અને તેના પત્નીને રાત્રિના ૧૨ વાગ્યા પછી પોતાની વાડીમાં સુતા હતા જે દરમિયાન અજાણ્યા શખ્સોએ આવીને કોઈપણ કારણોસર જીવલેણ હુમલો કરી દીધો હતો અને આરોપીઓ ભાગી છુટ્યા હતા. ત્યારબાદ બંનેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે  સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પત્ની સંતરબાઈની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઇ છે.
જેમાં ફરીયાદીને શરીરના જુદા જુદા અન્ય ભાગોમાં ઘા વાગ્યા હોવાથી ગંભીર ઇજા થઈ છે, અને  ટાંકા લેવા પડયા છે. આ ઉપરાંત તેની પત્ની કે જેના પર પણ જીવલેણ હુમલો કરાયો હતો અને તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ છે. એક હાથ પોચામાંથી કપાઈ ગયો છે, ત્યારે બીજા હાથમાં ત્રણ આંગળીઓ કપાઇ છે. ડોકના ભાગે તેમજ કપાળ સહિતના ભાગોમાં ધારદાર ઘા વાગ્યા હોવાથી ૨૪ ટાંકા લેવા પડ્યા છે.
આ બનાવ અંગે  ધ્રોલના પીએસઆઈ પી.જી. પનારા અને સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અને મગન સુકેલિયા બામણીયા, રીંકુ શંકર બામણીયા, ધુંધો ઉર્ફે ધુન્દરીયા દેસિંગ ઢીબલિયો, અને ત્રણ સગીર વયના આરોપી મળી કુલ છ આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે અને તમામની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.