જામજોધપુરમાં વૃધ્ધાનું ડૂબી જવાથી મૃત્યુ

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં પીઠડ ગામમાં યુવાનના ઘરનાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા જિંદગી ટૂંકાવી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, જયારે જામજોધપુરમાં વૃધ્ધાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.  

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં આવેલ પીઠડ ગામમાં નવા વાસમાં રહેતો મનોજભાઈ ઉર્ફે અખીલ આલાભાઈ પરમાર નામનો 25 વર્ષનો યુવાન કોઈ કામધંધો કરતો ન હોય અને ખોટા રસ્તે ચડી ગયો જેથી પરિવારના મોભીઓએ તેને ઠપકો આપતા એ બાબતનું મનમાં લાગી આવતા ગઈકાલે સવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરતા પિતા આલાભાઈ કરશનભાઈએ જોડીયા પોલીસમાં જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે જામજોધપુરમાં પંચવટી સોસાયટીમાં રહેતા વર્ષાબેન ધીરજભાઈ સવસાણી નામના 65 વર્ષીય વૃધ્ધને છેલ્લા ઘણા સમયથી લકવાની બીમારી હોય અને ગઈકાલે સવારે પાણી આવતા ટાંકામાં પાણી ભરવા ગયા હતા, ત્યાં અકસ્માતે પાણીના ટાંકામાં પડી જવાથી ડૂબી જવાથી મૃત્યુ નિપજતા પુત્ર દિપેશકુમાર ધીરજભાઈ સવસાણીએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.