જામનગર મોર્નિંગ - જામનગર   


જામનગરના દિગજામ સર્કલ જેવા અતી ભીડવાળા અને ધમધમતા વિસ્તારમાં ધોળે દહાડે  બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા આવેલા એક યુવાનને ત્રણ શખ્સોએ માર મારી રૂપિયા ૧૨,૦૦૦ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ ત્રણેય લૂંટારૂઓને પકડી પાડ્યા છે.

જામનગરમાં ખેતીવાડી ફાર્મ સામે ઇન્દિરા કોલોની શેરી નંબર એકમાં રહેતો અને મજૂરી કામ કરતો રમેશ ખેતાભાઇ રાઠોડ નામનો યુવાન ગઈકાલે સાંજે ના અરસામાં દિગજામ સર્કલ નજીક આવેલા બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો હતો, ત્યાંથી તેણે ૧૦,૦૦૦ની રોકડ રકમ ઉપાડી હતી. ઉપરાંત તેના ખિસ્સામાં બે હજારની રોકડ રકમ હતી. જે તમામ ૧૨ હજાર રૂપિયા પોતાના પર્સમાં રાખીને પર્સને પાછળના ખિસ્સામાં મૂક્યું હતું. જે દરમિયાન ૨૫ થી ૩૦ વર્ષની વયના ત્રણ લૂંટારુઓ ત્યાં આવ્યા હતા. અને રમેશભાઈ રાઠોડને માર માર્યો હતો, અને જેના ખિસ્સામાંથી રોકડ ભરેલા પર્સની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારુઓ  ભાગી છૂટ્યા હતા. આ બનાવ બાદ રમેશભાઈ રાઠોડએ બુમાબુમ કરી હતી. પરંતુ ત્રણે લૂંટારૂઓ ભાગી છુટવામાં સફળ થયા હતા.જે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે જુદા જુદા વિસ્તારના કેમેરાની મદદથી લૂંટારુઓને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી.

આખરે એલસીબી પોલીસને લૂટના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે. અને મહાકાળી સર્કલ પાસેથી દીપુ કમલભાઈ વઢિયાર (ઉ. વ.૧૯ રે.દિગજામ સર્કલ, જૂની રેલવે કોલોની) તેમજ અન્ય બે સગીર (ટાબરીયા) સહિત ત્રણને ઝડપી પાડયા છે. અને રૂ.૧૨૦૦૦ની રોકડ રકમ કબ્જે કરી છે.


.