મેંયર પદ માટે વિનોદભાઈ જયંતીભાઈ કે મુકેશભાઈ જેનું સસ્પેન્સ કાલે ખુલશે: ચેરમેન પદ માટે ધર્મરાજસિંહ જાડેજા-પાર્થ કોટડીયા-અરવિંદ સભાયા-નિલેશ કગથરા-આશિષ જોશીના નામો ચર્ચામાં: ડેપ્યુટી મેયર પદ મહિલા ઉમેદવારને ફાળે જાય તેવી અટકળો શાશક જૂથના નેતા અને દંડકની પણ ભાજપ દ્વારા નિમણૂક કરાશે

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર, અને સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યો ઉપરાંત શાસક જૂથના નેતા અને દંડક વગેરે માટેના નવા હોદ્દેદારોના નામની જાહેરાત આવતીકાલે ચેમ્બર હોલમાં યોજાનારી બેઠકમાં થશે. જો વિપક્ષ દ્વારા ઉમેદવાર ઊભા રખાશે, તો ચૂંટણી પણ યોજાશે. 

જામનગર મહાનગરપાલિકાના હાલના મેયર-ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની ટર્મ પુરી થવા જઈ રહી છે, ત્યારે આવતીકાલે જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટેની એક બેઠક બપોરે ૧૨ વાગ્યે ચેમ્બર હોલમાં યોજાશે. જેમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવશે.

મેયર પદની વાત કરવામાં આવે તો આ વખતે જામનગર મહા નગરપાલિકામાં મેયરપદ માટે એસ.સી. અનામત હોવાથી આ કેટેગરીમાં બે મહિલા સહિત કુલ પાંચ કોર્પોરેટર ચૂંટાયેલા છે. જેમાં વિનોદભાઈ ખીમસૂરીયા, જયંતીભાઈ અને મુકેશભાઈ માતંગનો સમાવેશ થાય છે. જયારે બે મહિલા સભ્યો પણ ચૂંટાયા છે, પરંતુ આ વખતે મહિલા મેયર રીપીટ થશે નહીં, એટલે મેયર પદ માટે વિનોદભાઈ જયંતીભાઈ અથવા તો મુકેશભાઈના નામની આવતીકાલે બપોરે જાહેરાત થશે.

જેના માટે વિરોધ પક્ષના ૧૪ સભ્યો દ્વારા ઉમેદવારી કરવામાં આવશે તો ચૂંટણી યોજાશે, અને ભાજપ દ્વારા તમામ સભ્યોને વહીપ અપાશે. તે જ રીતે ડેપ્યુટી મેયરપદ માટે મહિલામેદવાર ની પસંદગી થાય તેમ જાણવા મળી રહ્યું છે. જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટેની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ૧૨ સભ્યોની કમિટી બનાવવા આવશે. તે કમિટી  નામની જાહેરાત આવતીકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યે થશે. ત્યારબાદ સભ્યો દ્વારા ચેરમેન ના નામની જાહેરાત કરાશે. હાલ ચેરમેન પદ માટે ૧૮ દાવેદારો હતા જે પૈકી પાંચ મુખ્ય નામની ચર્ચા થઈ રહી છે જેમાં ધર્મરાજસિંહ જાડેજા, પાર્થ કોટડીયા, અરવિંદભાઈ સભાયા, નિલેશભાઈ કગથરા અને આશિષ જોષી ના નામો નો સમાવેશ થાય છે. ઉપરાંત શાસક જૂથના નેતા અને દંડક વગેરેની પણ પસંદગી કરવામાં આવશે. 


.