ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢા અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નિલેશ કગથરાની વરણી

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયર -સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની આજે વરણી કરવામાં આવી છે, જેમાં મેયર તરીકે વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર પદે ક્રિષ્નાબેન સોઢા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ કગથરાની વરણી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકામાં આજે વર્તમાન મેયર- ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થતી હોવાથી શાષક જૂથ ભારતીય જનતા પાર્ટી દ્વારા અઢી વર્ષ માટેના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એસ.સી. અનામત તરીકે મેયરપદના વિનોદભાઈ નાથાભાઈ ખીમસુરીયાની પસંદગી કરવામાં આવી છે, અને તેઓ નગરના મેયર બન્યા છે.

આ ઉપરાંત ડેપ્યુટી મેયરનુ પદ મહિલા ઉમેદવારને આપવાનું પાર્ટી દ્વારા નક્કી કરાયું હોવાથી ક્રિષ્નાબેન કમલેશભાઈ સોઢાની નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે અનેક નામોની અટકળો ચાલ્યા પછી છેલ્લી ઘડીએ વોર્ડ નંબર નવના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાની વરણી કરવામાં આવી છે. 

વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર આશિષ મનુભાઈ જોશીની શાસક જૂથના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર ૧૩ના કોર્પોરેટર કેતનભાઇ જયંતીલાલ નાખવાની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને પાર્ટીના અગ્રણી હોદ્દેદારો દ્વારા ફુલહાર પહેરાવી મીઠા મોઢા કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં સૌપ્રથમ આ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ચેમ્બર હોલમાં મળનારી મિટિંગમાં સમગ્ર હોદ્દેદારોની વિધિવત જાહેરાત થઇ રહી છે. 







.