શક્તિનગર રોડ પરથી વિદેશી દારૂ સાથે બે ઝબ્બે 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)


ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં એક હોટલની બાજુની ગલીમાં રહેતા પાલા કેશવ ગઢવી નામના એક શખ્સના રહેણાંક મકાનમાં મોડી રાત્રિના સમયે સ્થાનિક પોલીસ મથકના રીડર પી.એસ.આઇ. પી.ડી. વાંદા તથા સ્ટાફના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, રૂ. 21,300 ની કિંમતની વિદેશી દારૂની 50 બોટલ તથા રૂપિયા 400 ની કિંમતના ચાર ચપટ્ટા તેમજ રૂપિયા 3,800 ની કિંમતના 38 બિયરના ટીન મળી કુલ રૂપિયા 25,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરંતુ આરોપી શખ્સ પોલીસને હાથ ન લાગતાં તેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

આ કામગીરી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પી.એસ.આઈ. પી.ડી. વાંદા, પ્રતાપભાઈ ભાટિયા, પ્રવીણભાઈ ગોજીયા, ભાવિનભાઈ સચદેવ તથા સહદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

અન્ય એક કાર્યવાહીમાં અત્રે શક્તિનગર વિસ્તારમાં એક મંદિર પાસેથી વહેલી સવારે આશરે સવા ચાર વાગ્યે વિદેશી દારૂની ચાર બોટલ લઈ અને રૂપિયા 50,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળેલા અશોક માવજી કણજારીયા અને મહેમૂદ બચુ મોઘા નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 51,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન પ્રભાતસિંહ ઉર્ફે મુન્નો રણજીતસિંહ જાડેજા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 










.