ભાવિકોના ઘસારાને પહોંચી વળવા સુચારુ વ્યવસ્થા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)

કાળીયા ઠાકોરના મહાપર્વ એવા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ દ્વારકા ખાતે આવે છે. અહીં આવતા લોકોને સુગમતા રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા નવતર અભિગમ દાખવી અને દર્શન માટે તથા પાર્કિંગ માટેની વિવિધ માહિતી ઓનલાઇન મળી રહે તે હેતુથી ક્યુ.આર. કોડ લોન્ચ કરવામાં આવ્યો છે.

આ માટે પોલીસ તંત્ર દ્વારા એક ચોક્કસ પ્રકારનો ક્યુ.આર. કોડ જારી કરી અને આપવામાં આવેલી વિગત મુજબ આ ક્યુ.આર. કોડ મોબાઈલમાં સ્કેન કરવાથી મંદિરમાં દર્શનનો સમય, વિશિષ્ટ દર્શનના દિન તથા સમય પાર્કિંગ તેમજ જરૂરી સુચના ઉપરાંત નકશા સાથેનું માર્ગદર્શન મળી રહેશે. આ ક્યુ.આર. કોડ મારફતે મળતી માહિતી બહારગામથી આવતા યાત્રાળુઓને ખૂબ જ મદદરૂપ થશે.

પોલીસ તંત્ર દ્વારા આ ક્યુ.આર. કોડની મોટી સંખ્યામાં પ્રિન્ટો કઢાવીને જુદી-જુદી હોટલ, રેસ્ટોરન્ટ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ મૂકવામાં આવી છે. યાત્રિકોની આ સુવિધા માટેનો આ ક્યુ.આર. કોડ સેંકડો લોકોએ ડાઉનલોડ કરી લાભ લીધો છે. ત્યારે આ સમગ્ર વ્યવસ્થા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, એ.એસ.પી. રાઘવ જૈન, મંદિર સુરક્ષા વ્યવસ્થાના ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા સ્ટાફ દ્વારા તમામ જરૂર જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ઉપરાંત જરૂર પડ્યે કંટ્રોલરૂમના નંબર 02833-232002, 112 તથા પોલીસ સહાયતા કેન્દ્રના નંબર 79842 45142 અને 74339 75916 જારી કરવામાં આવ્યા છે.

યાત્રીકોને કિંમતી સામાન હોટેલ કે રૂમ પર રાખવા તેમજ ભીડમાં દાગીનાનું ધ્યાન રાખવા અને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જણાય તો આ નંબર ઉપર પોલીસનું સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે.

જન્માષ્ટમીના દિવસોમાં ઓખા, બેટ પોર્ટ પર ખાસ વ્યવસ્થા

જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા સાથે બેટ દ્વારકા, ઓખા પોર્ટ પર આવતા હજારો - લાખોની સંખ્યામાં મુસાફરો તથા યાત્રાળુઓ માટે પણ તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડના રાહુલ મિશ્રાએ જણાવ્યું છે કે યાત્રાળુઓના વાહનો માટે જી.એમ.બી.માં, બોકસાઈટ પ્લોટમાં તથા ઓખા પેસેન્જર જેટી એમ ત્રણ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

બેટ દ્વારકા જવા ઈચ્છતા યાત્રાળુઓ માટે ટિકિટ બારીઓ પર છાયડા તથા કામ ચલાઉ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓખા જેટી ખાતે બે ગેઈટ લગાડવામાં આવ્યા છે જેથી વ્યવસ્થા જળવાઈ રહે. આ ઉપરાંત ઓખા અને બેટ બંને સ્થળોએ બેરીકેટ અને રેલિંગ પણ રાખવામાં આવી છે.

અહીં આવતા સિનિયર સિટીઝનો માટે પણ અલાયદી વ્યવસ્થા, જરૂરી સૂચનાઓ માટે એના એનાઉન્સમેંટ સિસ્ટમ, કચરા માટે ડસ્ટબીન ઉપરાંત ઓખા અને બેટ બંને સ્થળોએ રેસ્ક્યુ માટે તરવૈયાઓ અને સ્પીડ બોટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

તંત્ર દ્વારા યાત્રિકોને બોટમાં લાઈફ જેકેટ પહેરીને બેસવા તથા પેસેન્જર બોટની ક્ષમતા પૂરી થતાં તુરત જ બીજી બોટ મૂકવાની હોય, ઓવર કેપેસિટીમાં ન બેસવા અપીલ કરવામાં આવી છે.











.